• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ભુજમાં આરોગ્ય શાખાની એમ્બ્યુલન્સ બળીને ખાખ

ભુજ, તા. 3 : સોમવારે કચ્છ જિલ્લા પંચાયતના ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક લાગેલી આગનાં  કારણે આ વાહન બળીને ખાખ થઈ ગયું હતું. જો કે, ડ્રાઈવરની સમયસસૂચકતાનાં કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હસ્તકના દેશલપર (વાંઢાય) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ સોમવારે બપોરે 12 વાગયાના અરસામાં દવાઓનો જથ્થો લેવા આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ એમ્બ્યુલન્સ હમીરસર પાસે પહોંચી, ત્યારથી જ તેમાં ધુમાડા દેખાવા લાગ્યા હતા. આ વાહન બરોબર જિલ્લા પંચાયત પાસે પહોંચતાં જ તેમાં આગ લાગતાં ડ્રાઈવરે નીચે ઊતરીને આગ બુઝાવવાના સાધનો વડે આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ એટલામાં તો આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવ અંગે તાત્કાલિક ભુજ નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરાતાં તાબડતોબ દોડી આવી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે, આ આગ કયા કારણે લાગી તે વિશે જાણી શકાયું નથી, તો જાહેર રસ્તા પર બનેલા બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, જેથી ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાતાં પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન કરાયું હતું. દરમ્યાન આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચમાંથી ગત વર્ષે અપાયેલી એમ્બ્યુલન્સ હતી, જેમાં અચાનક આગ લાગી હતી અને ડ્રાઈવર સ્ટોર પરથી દવાનો જથ્થો લઈને આવી રહ્યો હતો, ત્યારે અચાનક આગ જોવા મળતાં તેણે આગ ઓલવવાની કોશિશ કરી હતી, જેથી ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. આ બનાવ અંગે આર.ટી.ઓ. અને ટેકનિકલ સ્ટાફને જાણ કરાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Panchang

dd