મુંદરા, તા. 3 : અદાણી પોર્ટસના ફ્લેગશિપ મુંદરા
પોર્ટે કન્ટેનર જહાજ MSC AMBRA પર
21,085 TEUsનું એટલે કે કન્ટેનર હેન્ડાલિંગ
કરીને ઐતિહાસિક પોર્ટ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના કોઈ પણ પોર્ટ પર એક જ જહાજમાં
હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. MSC AMBRA વિશ્વમાં કાર્યરત સૌથી વિશાળ
કન્ટેનર જહાજોમાંનું એક છે. તેના વિરાટ કદનો અંદાજ લગાવવા ચાર ફૂટબોલ મેદાનને એક પછી
એક સીધી હરોળમાં ગોઠવવામાં આવ્યાં હોય. આ જહાજની લંબાઈ 400 મીટર અને પહોળાઈ 61.54 મીટર છે. તેનું 2,56,228 મેટ્રિક ટનનું ડિસ્પ્લેસમેન્ટ
અંદાજે 42,700 હાથીના સંયુક્ત વજન જેટલું
છે. આગમન સમયે જહાજનો ફોરવર્ડ ડ્રાફ્ટ 15.10 મીટર અને આફ્ટ ડ્રાફ્ટ 15.15 મીટર હતો. આટલા વિશાળ જહાજને સુરક્ષિત રીતે હેન્ડલ કરવા માટે
જરૂરી અદ્યતન મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીપ-ડ્રાફ્ટ ક્ષમતાને આ ઓપરેશન પ્રતાબિંબિત
કરે છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિએ નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કરવાની સાથે ભારતના અગ્રણી
વ્યાપારી પોર્ટ તરીકે મુંદરા પોર્ટનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. ઉપરાંત, દેશના સતત વિકસી રહેલા કન્ટેનરાઇઝ્ડ કાર્ગો
વેપાર માટે મુંદરા પોર્ટની ભૂમિકા વધુ સુદૃઢ
બની છે. આ પ્રસંગે અદાણી પોર્ટસ મુંદરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું
હતું કે, "MSC AMBRA પર 21,085 TEUsનું
હેન્ડાલિંગ મુંદરા પોર્ટ અને ભારતના મેરીટાઇમ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક
સિદ્ધિ છે. અગાઉના રાષ્ટ્રીય વિક્રમ કરતાં 4,516 TEUs વધુ હેન્ડલ કરવાથી અમારી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેક્નોલોજી અને ઓપરેશનલ ક્ષમતાઓની મજબૂતાઈ
સાબિત થાય છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ટીમ મુંદરા પોર્ટ અને તમામ સહયોગી ટીમોના સુવ્યવસ્થિત
આયોજન, સુમેળભર્યા સંકલન તેમજ સલામતી અને શ્રેષ્ઠ સેવા પ્રત્યેની
અડગ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. મુંદરા પોર્ટ ભવિષ્યલક્ષી ક્ષમતાઓ વિકસાવવા અને ભારતને
વૈશ્વિક વેપાર તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પોતાનું યોગદાન
આપવા માટે પ્રતિબદ્ધ છે.' આ નવી સિદ્ધિએ જાન્યુઆરી 2024માં MSC LIVORNO દ્વારા સ્થાપિત અગાઉના વિક્રમને
પાછળ છોડયો છે. તે સમયે એક જ જહાજ પર 16,569 TEUsનું હેન્ડાલિંગ કરવામાં આવ્યું હતું. MSC AMBRA પર 21,085 TEUsનું હેન્ડાલિંગ કરીને અદાણી
પોર્ટસની ટીમે અગાઉના વિક્રમ કરતાં 4516 TEUs વધુ હેન્ડલ કર્યા છે, જે અંદાજે 26.9 ટકાનો વધારો
દર્શાવે છે. MSC AMBRAનું સફળ હેન્ડાલિંગ મુંદરા
પોર્ટની ટેક્નોલોજિકલ સજ્જતા, ઓપરેશનલ
તૈયારી અને અલ્ટ્રા-લાર્જ કન્ટેનર જહાજોનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવાની ક્ષમતાને
દર્શાવે છે. પોર્ટની અદ્યતન ટર્મિનલ સુવિધાઓ અને અનુભવી કર્મચારીઓના સહયોગથી આ જટિલ
ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.