ભુજ, તા. 3 : કચ્છમાં આજે સોમવારે ભારે વરસાદ
થવાની રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની ખોટી પડેલી આગાહીથી લોકોમાં વધેલા ઉચાટમાં આજે
વધેલી ગરમીએ ઉમેરો કર્યો હતો. મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઈટ પરથી આજે ફરીવાર એવી આગાહી
કરાઈ છે કે, રાજ્યમાં આવનારા સાત દિવસ
સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજની આગાહી સાચી પડવા પર આશાભરી મીટ માંડી બેઠા
કચ્છીઓ આજે વધેલા ઉકળાટમાં અકળાયા હતા. જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં
આજે ઉષ્ણતા માપક પારો ઊંચકાઈને 32 ડિગ્રીએ પહોંચતાં હવામાનમાં ઉનાળુ અસર વર્તાઈ હતી. દક્ષિણ -
પશ્ચિમ દિશાના કલાકના છ કિ.મી.ની સામાન્ય ગતિવાળા પવનો તાપમાં ધારી રાહત આપી શકયા નહોતા. અલબત્ત સાંજ ઢળ્યા
પછી હવામાંથી તપત ચાલી જતાં રાહત થઈ હતી. ભુજમાં સવારે 8પ ટકા અને દિવસ દરમ્યાન 69 ટકા જેટલી ઊંચી હાજરી પૂરાવનાર
ભેજ તડકા સાથે ભળી જતાં બપોરે બફારો વર્તાયો હતો. વરસાદના નવા દોરની ચાતક નજરે રાહ
જોઈ રહેલા ખેડૂતો ખેતોરમાંથી પાણી ઓસરતાં આશાભેર વાવણીકાર્યમાં જોતરાયા છે.