મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 3 : સરકાર સામાન્ય રીતે એવો નિર્ણય
લે જેનાથી સરકારી સેવાઓ ઝડપી બને, પણ પોસ્ટ વિભાગ માટે સરકારે લીધેલા એક નિર્ણયને
લીધે કદાચ સૌરાષ્ટ્રના મેઈલ્સની હેરફેર તો થોડી ઝડપી બની, પણ
કચ્છથી આવતા અને જતા ટપાલ-કવરો કમ સે કમ 24 (અને ક્યારેક 48 કલાક) મોડી પડવા લાગ્યા ! પોસ્ટના મેઈલ્સની હેરફેર માટે આજથી
સાડા ત્રણ વર્ષ પહેલાં ઘોઘા-હજીર રો રો ફેરી સર્વિસના ઉપયોગનો નિર્ણય લેવાયો હતો. આ
નિર્ણય અંતર્ગત કચ્છ ડિવિઝનને અમદાવાદને બદલે રાજકોટ હબ હેઠળ સમાવવાનું નક્કી થયું
હતું અને કચ્છ આવતી અને જતી બધી ટપાલો અમદાવાદને બદલે પહેલાં રાજકોટ મોકલવાનું નક્કી
થયું, જેને લીધે બધા જ મેઈલ્સ કમ સે કમ 24 કલાક મોડા પહોંચવા લાગ્યા. કેટલાક મહિના પહેલાં સરકારે પોસ્ટના
મેઈલ્સ માટે ઘોઘા-હજીરા ફેરીનો ઉપયોગ બંધ કરી નાખ્યો, પણ કચ્છ હજી પણ પોતાના હબ તરીકે રાજકોટને બદલે
ફરી અમદાવાદ કરાય તે નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. અલબત્ત, માહિતગાર
સૂત્રો કહે છે કે, રાજકોટ સર્કલે આ અંગેની એક દરખાસ્ત અમદાવાદ
ખાતે પોસ્ટની રાજ્યની મુખ્ય કચેરીને સોંપી
દીધી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે, ત્યારે
હવે સત્વરે જૂની સિસ્ટમ શરૂ થઈ જાય અને કચ્છ આવતા અને જતા મેઈલ્સ ફરી થોડા સમયસર થઈ
જાય તે સમયની માંગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર
કચ્છમાંથી ગુજરાત બહાર ગમે ત્યાં ટપાલ-કવરો મોકલવા હોય તો પહેલાં રાજકોટ મોકલવા પડે,
ત્યાં એ એકાદ દિવસ તો પડયા હોય પછી તેની બેગ બને અને ગંતવ્ય સ્થાને મોકલવામાં
આવે, એ જ રીતે બહારના રાજ્યમાંથી કચ્છમાં ટપાલો પણ પહેલા રાજકોટ
આવે. દિલ્હીથી ભુજ આવતા મેઈલ્સ પણ અમદાવાદ આવે, પછી તેને નિયમ
મુજબ રાજકોટ મોકલવામાં આવે અને પછી ત્યાંથી ભુજ આવે ! અગાઉ અમદાવાદ હબ હતું,
ત્યારે બહારથી આવતા મેઈલ્સનો કોથળો વહેલી સવારે જ ભુજ આવી જતો અને પછી
સવારે આઠેક વાગ્યે ભુજથી ગાંધીધામ, આદિપુર, અંજાર ઉપરાંત સુખપર, માનકૂવા વગેરે ગામોમાં મોકલી દેવાતા.
હવે બહારથી આવતા મેઈલ્સ બપોરે બારેક વાગ્યા પછી આવતા હોય છે, જે બપોર પછી સોર્ટિંગ થાય અને પછી બીજા દિવસે ગંતવ્ય સ્થાને મોકલાવામાં આવે.
ઘણી વાર તો લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે,
મહત્ત્વના મેઈલ્સ દસ-દસ દિવસ સુધી
પહોંચતા નથી. સરકારે થોડા સમય પહેલાં ઘોઘા-હજીરા રો રો ફેરીનો રૂટ પોસ્ટ માટે
બંધ કર્યો. ત્યાં ઘણી વાર મોટી ટ્રકોએ ફેરીનો કલાકો સુધી ઈંતેજાર કરવો પડતો અને ભાડું
પણ સસ્તું નહોતું અને સમય પણ એકંદરે બહુ બચતો નહોતો, એટલે સરકારે
નિર્ણય પાછો ખેંચ્યો, પણ હવે ઈન્ડિયા પોસ્ટ કચ્છ માટે પણ અમદાવાદ
હબનો નિર્ણય પુન: લઈ લે તો સારું. પોસ્ટલ ખાતાંએ હજી અમદાવાદથી ભુજની કનેક્ટિવિટી બંધ
કરી નથી, ત્યારે હવે માત્ર નિર્ણય લેવાનો છે.
નેટ યુગમાં પણ કચ્છમાં રોજ 50,000 ટપાલ-કવરોનું
આવાગમન થાય છે
સાદી ટપાલો ઘટી, નાણાંકીય ડોક્યુમેન્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટના પાર્સલ વધ્યા
ભુજ, તા. 3 : આજના ઈન્ટરનેટ અને સ્માર્ટ
ફોનના યુગમાં ટપાલોનો યુગ તો આથમી ગયો, એટલે હવે પોસ્ટના સોર્ટિંગ અને વિતરણ વિભાગ પાસે બહુ કામ તો રહ્યુyં નહીં હોય એવી માન્યતા સ્વાભાવિક છે, પણ સાચી નથી ! વધતી વસ્તી, વધતા નાણાંકીય ટ્રાન્ઝેક્શનો અને સરકારી દસ્તાવેજો સહિતનાં પરિબળોને લીધે કચ્છની
આર.એમ.એસ. કચેરીમાં દાયકાઓ પહેલાં દૈનિક સરેરાશ પ0,000 ટપાલ-કવરોનો જે રેશિયો હતો
તે આજે પણ જળવાયેલો છે. બદલાતા સમય સાથે તાલ મિલાવવાના પ્રયાસમાં ડાક વિભાગે છેલ્લા
કેટલાક સમયથી મુખ્ય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા
છે, જે અંતર્ગત જ્યાં કુરિયર કંપનીઓ પહોંચતી નથી
તેવા કચ્છના ગ્રામ્ય વિસ્તરોમાં પોસ્ટ ખાતાં દ્વારા રોજ સરેરાશ અઢી સો જેટલા પાર્સલ
પહોંચાડવામાં આવે છે. ભુજ વડી ટપાલ કચેરીની બાજુમાં આવેલી સોર્ટિંગ ઓફિસમાં રોજ સરેરાશ
40,000 જેટલી સાદી ટપાલો ઉપરાંત આઠથી
દસ હજાર સ્પીડ પોસ્ટ અને 2000 જેટલા પાર્સલનું
સોર્ટિંગ કરવામાં આવે છે. ટપાલો અને અંતર્દેશીય કાર્ડનો એક જમાનો હતો અને ભૂકંપ પહેલાં
રોજ હજારોની સંખ્યામાં આવી ટપાલો આવતી, પણ હવે એવી ટપાલો રોજની 400થી પ00 માંડ આવે
છે. એક સમયે તેની કિંમત 2પ પૈસા હતી, પછી પ0 પૈસા થઈ અને હવે એક રૂપિયો થઈ છે. હવે તો
સારા-દુ:ખદ પ્રસંગોએ મોટે ભાગે આવી ટપાલોનો ઉપયોગ થાય છે. સેકન્ડ ક્લાસ મેઈલ્સ જેને
કહેવાય છે તે ટિકિટો સાથેના કવરો, ટપાલો,
સામયિકો, લગ્ન કંકોત્રી વગેરે રોજ સરેરાશ 40,000 હોય છે. સ્પીડ પોસ્ટની વાત
કરીએ તો આજથી પંદરેક વર્ષ પહેલાં તે રોજના 1પ00થી 2000 નોંધાતા, જે હવે રોજના આઠથી દસ હજાર થઈ ગયા છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર હવે એમેઝોન અને ફ્લિપકાર્ટના પણ સારા પાર્સલો હોય છે. ઉપરાંત અમુક ઓનલાઈન
શોપિંગ કંપનીઓના છૂટક ઓર્ડરો પણ હોય છે. બેન્કો
કે મ્યુચ્યુઅલ ફંડ વગેરેના ટ્રાન્ઝેક્શનો કે અન્ય ડોક્યુમેન્ટ્સ ભલે મેઈલ્સ અને વોટ્સએપ
કરી દેવાતા હોય, પણ રેકર્ડ તરીકે મોટા ભાગના દસ્તાવેજ પોસ્ટ મારફત
જે-તે વ્યક્તિ સુધી અલગથી પણ મોકલવામાં આવે છે. એ જ રીતે સરકારી ડોક્યુમેન્ટ પણ નિયમ
અનુસાર રેકર્ડરૂપે પહોંચાડવામાં આવે છે અને તેનું પ્રમાણ પણ ઘણું હોય છે.