ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 25 : હાલ આભમાંથી આગ વરસી રહી છે, ત્યારે સામાન્ય લોકોની સાથોસાથ પશુઓની હાલત પણ દયનીય બની છે. પશ્ચિમ કચ્છ પોલીસના માઉન્ટેન વિભાગ દ્વારા તેમના હસ્તકના ઘોડા અને ઊંટોની ખાસ માવજત લેવામાં આવે છે. આ માવજતની રસપ્રદ વિગતો આવા પશુપાલકો માટે મહત્ત્વની બની રહેશે. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી હાલ માદક પદાર્થના પેકેટ્સ મળવાનો સિલસિલો ફરી શરૂ થયો છે, ત્યારે દરિયા ક્ષેત્રની ખાસ પેટ્રોલિંગમાં ઘોડા દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘોડેસવારી તાલીમમાં પણ આ ઘોડા ઉપયોગી બન્યા છે. આમ, પોલીસ કામગીરીમાં ઘોડાનું મહત્ત્વ હજુ પણ બરકરાર છે. અશ્વ એ વફાદાર અને રુઆબદાર પ્રાણી છે. હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેના આહાર, પાણી અને આવાસની યોગ્ય `માવજત' રાખવામાં આવે તો તેને ગરમીની ઘાતક અસરોથી બચાવી શકાય છે. પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડાનાં સૂચન અને માર્ગદર્શનના પગલે પશ્ચિમ કચ્છ પોલીસના માઉન્ટેન વિભાગના ઘોડાઓની હાલ કાળઝાળ ગરમીના પગલે ખાસ દેખભાળ કરવામાં આવે છે. આ વિભાગ સંભાળતા પી.એસ.આઇ. એ.વી. મકવાણા અને ઘોડાના તબેલાની મુલાકાત લેતાં રોચક વિગતો પ્રાપ્ત થઇ હતી. પશ્ચિમ કચ્છ પોલીસમાં ઘોડાનું 30 મહેકમ મંજૂર છે, જેમાં સાત તાલીમમાં છે અને ત્રણ નિવૃત્ત છે, જ્યારે 26 હાજરમાં છે. એક ઘોડા સરેરાશ 20થી 40 લિટર પાણી પીવે છે. હાલ અત્યંત ગરમીના લીધે સવાર-સાંજ, બપોર અને રાત્રે એમ ચાર વખત પાણી પીવડાવાય છે. પાણીની કૂંડીઓ ચૂનાથી લીપાયેલી હોય છે અને પાણીમાં સેંધો નમક નાખવામાં આવે છે. આથી આવા પાણી મારફત ઘોડાઓને કેલ્શિયમ મળી રહે છે. તીવ્ર ગરમી અને ભારે મહેનતના લીધે વધુ પડતો પરસેવો નીકળતાં ઘોડાના શરીરમાંથી મીઠું અને જરૂરી ક્ષાર ઓછા થઇ જાય છે. આથી ઘોડાને સપ્તાહમાં બેથી ત્રણ વખત ગોળ અને વરિયાળીવાળું પાણી અપાતાં ઘોડામાં ઠંડક રહે છે અને પાણી-ક્ષારની માત્રા જળવાઇ રહે છે.
હવાવરુ
તબેલા
હવાની
અવરજવર રહે તે માટે હવાવરુ તબેલાની સગવડ જરૂરી છે. આમ, રુફ ઊંચો રાખવામાં આવે છે. વધુ પડતી ગરમીમાં પંખા પણ તબેલામાં ગોઠવવામાં
આવે છે અને ઠંડા પાણીથી નવડાવવામાં આવે છે અને નવડાવ્યા બાદ તેના શરીર પરનું પાણી
સાફ કરી દેવામાં આવે છે. જો પાણી શરીર પર રહેશે તો સૂર્યની ગરમીથી ગરમ થશે અને
ઘોડાના શરીરનું તાપમાન વધુ વધારશે આથી પાણી સાફ કરવું જરૂરી છે.
ઘોડાના
શ્રમ પર નિયંત્રણ
સવારે
10-11 બાદથી
સાંજ સુધી ઘોડાઓને તબેલામાં આરામ અપાય છે. અહીંના ઘોડાઓને અશ્વ તાલીમમાં વપરાય છે.
તાલીમના વર્ગ વહેલી સવારે ઠંડા પહોરમાં લેવાય છે. સાંજે કસરત કરાવાય છે.
પોલીસ
દળમાં આઠ ઊંટ
માઉન્ટેડ
પોલીસ દળમાં આઠ ઊંટ છે, જે કચ્છની સીમા પર કાર્યરત
છે. ખાવડામાં કુરન આઉટપોસ્ટ પર બે તેમજ કોઠારાના છછી આઉટપોસ્ટ પર ત્રણ, જખૌ મરિનના મોહાડી, દયાપર, જખૌના
પીંગલેશ્વરની આઉટપોસ્ટ પર એક-એક ઊંટ તૈનાત છે. આ ઊંટને પણ રહેવા માટે હવાવારુ
જગ્યા જોઇએ. રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટ પાણી વગર રહેવા ટેવાયેલા છે, પણ તેઓને નિયમિત પાણી આપવું પડે છે.