કેરા (તા. ભુજ), તા. 20 : કચ્છી એજ્યુકેશન
અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં
ટ્રસ્ટ દ્વારા નવું સીટી ક્રેન શરૂ કરાયું હતું. સંસ્થાની યાદીમાં જણાવાયા મુજબ ફિલિપ્સ
કંપનીનું સીટી 3500 પ્રકારનું આ મેડિકલ ઉપકરણ આધુનિક
છે જેમાં રેડિયોલોજી, ન્યુરો,
ઓન્કો, કાર્ડિયો, ટ્રોમા,
ઇન્ટરવેશનલ રેડિયો માટે ઝડપી અને વિશ્વાસપાત્ર સ્કેન કરાય તેવું મશિન હોવાનો દાવો ટ્રસ્ટે કર્યો
છે. કોરોના વખતે સીટી સ્કેન ઉપકારક મશિન હતું જેના કારણે ફેફસામાં કોરોનાના ચેપનો સ્કોર
લોકજીભે આવ્યો હતો. આ મશિન અગાઉ 2002માં જી.એમ.ડી.સી. દ્વારા તત્કાલીન ચેરમેન મુકેશભાઇ ઝવેરીના પ્રયાસોથી
મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની દરમ્યાનગીરીથી બેસાડી અપાયું ત્યારે તે જિલ્લાનું પ્રથમ
સીટી હોવાનું જણાવ્યું હતું. હવે નવું મશિન ફોટડીના હસુભાઇ કાનજી ભુડિયા પરિવારના સંપૂર્ણ
દાનથી વસાવાયું હોવાનું ટ્રસ્ટના ચેરમેન ગોપાલ ગોરસિયાએ કચ્છમિત્રને કહ્યું હતું. દાતા
પરિવારની ભાવનાને સમાજ મોભી અને પૂર્વ અધ્યક્ષ આર. આર. પટેલ સાહેબે પણ વધાવી હતી. ભુજમાં
સઘન બનેલ હોસ્પિટલોની સેવા અને અન્ય ખાનગી ટ્રસ્ટોના સેવાભાવ સાથે એમ.એમ.પી.જે. હોસ્પિટલે
પણ નવું સીટી વસાવી લોકોની સુવિધામાં વધારો કરવા પ્રયત્ન કર્યો હતો.