ભુજ, તા. 20 : ઈન્સ્ટાગ્રામ પર બનાવટી આઈડી
બનાવી લોકોને અસલી ભારતીય ચલણી નોટોના બદલામાં ત્રણ ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો
તથા 15 ટકા ડિસ્કાઉન્ટથી સોનું આપવાની
લોભામણી રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી છેતરવાની કોશિશ કરતા ભુજના અંજુમ જુસબ સમાને
પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, સોશિયલ મીડિયા પર લોભામણી લાલચની તપાસણી કરતી
પોલીસને કરન્સી ડીલર નામની આઈડી મળી હતી, જેમાં 100, 200, 500ની નોટોના બંડલો તથા પાંચ લાખના
15 લાખ તેમજ 15 ટકા ડિસ્કાઉન્ટ સાથે સોનાનાં
બિસ્કિટ મુજબનું લખાણ જોવા મળ્યું હતું. જેથી પોલીસે ભુજના આ આઈડીધારકની કડક પૂછપરછ
કરતાં તેણે લોકોને છેતરવા માટે આવી રિલ્સ બનાવી હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીને
ઝડપી આગળની કાયદાકીય કાર્યવાહી માટે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.