• શનિવાર, 21 જૂન, 2025

મુંદરા નજીક ખાડામાં બાઈક પડયા બાદ યુવાન ઉપરથી ટ્રેઈલર ફરી વળતાં મોત

ગાંધીધામ, તા. 20 : મુંદરાના પોર્ટ રોડ બોરાણા સર્કલ, એમ. પોર્ટ હોટેલની સામે ધ્રબમાં રોડ ઉપર પડેલા ખાડામાં બાઈક પડયા બાદ ચાલક ઉપરથી ટ્રેઈલર ફરી વળતાં સંજીવકુમાર પ્રજાપતિ રામગોપાલ પ્રજાપતિ (ઉં.વ. 34)એ જીવ ખોયો હતો. બીજી બાજુ અંજારના માથક નજીક વાહનની હડફેટે ચડતાં બાઈકચાલક રાજપાલસિંઘ ઠાકુરસિંઘ નટિયન (ઉં.વ. 40)નું મોત થયું હતું તેમજ શિણાય નજીક ટ્રેકટરની હડફેટે મોપેડ પાછળ બેઠેલા રીટાબેન દીપક કેલા (ઉં.વ. 50)નું મોત થયું હતું. મુંદરા નજીક એન.પી.ટી. પેપર કંપનીમાં કામ કરનાર સંજીવકુમાર નામના યુવાનને ગઈકાલે રાત્રે રજા મળતાં કામેથી તે ઘરે કૈલાશપાર્ક બાજુ જઈ રહ્યો હતો. તે બોરાણા સર્કલ પાસે એમ. પોર્ટ હોટેલની સામે બાઈક નંબર જી.જે.-12-ડીએચ-5077થી પહોંચ્યો હતો, ત્યારે રસ્તામાં પડેલા ખાડામાં બાઈક પટકાઈ હતી. સાથે તેનો આ ચાલક પણ નીચે પટકાયો હતો. દરમ્યાન પાછળથી આવતું અજાણ્યું ટ્રેઈલર તેના માથાં પરથી ફરી વળતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ યુવાનની પત્ની પૂજાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ આદિપુરથી મુંદરા જતા માર્ગ ઉપર માથક ગામ નજીક બન્યો હતો. ગાંધીધામમાં રહેનાર મૂળ ઉત્તરપ્રદેશનો રાજપાલસિંઘ નામનો યુવાન બાઈક નંબર જી.જે.-01-વીબી-1759 લઈને જઈ રહ્યો હતો તેવામાં ઈસુઝુ વાહન નંબર જી.જે.-39-ટીએ-5100એ બાઈકને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેણે દમ તોડી દીધો હતો. યુવાનના ભત્રીજા અમનદીપ રવીન્દ્રસિંઘ નટિયને બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્રીજો જીવલેણ અકસ્માત રમાડા હોટેલથી શિણાય તરફ જતા માર્ગ ઉપર બન્યો હતો. રવેચીધામ-3માં રહેનાર દીપકભાઈ કેલા અને તેમના પત્ની રીટાબેન ગઈકાલે બપોરે રમાડા હોટેલથી શિણાય બાજુ જતા માર્ગ ઉપર મોપેડથી જઈ રહ્યા હતા. દરમ્યાન પાછળથી અજાણ્યા ટ્રેકટરે મોપેડને હડફેટે લેતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd