• શનિવાર, 21 જૂન, 2025

શેરબજારમાં તેજીનો યોગ

મુંબઈ, તા. 20 : છેલ્લા ત્રણ સત્રમાં ઘટાડા બાદ ભારતીય બજારોમાં વિપરીત સંજોગો વચ્ચે પણ ઝળહળતી તેજી જોવા મળી હતી. એફ.આઇ.આઇ.ની લેવાલી વચ્ચે સેન્સેક્સ 1,046.30 પોઇન્ટ્સ (1.29 ટકા) વધીને 82,408.17  ઉપર તો નિફ્ટી 319.15 પોઇન્ટ્સ (1.29 ટકા) વધીને 25,112.40 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂા.પાંચ લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ 1.20 ટકા તો સ્મોલકેપ 0.55 ટકા વધ્યા હતા.  ઈરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ એક યુદ્ધ બની ગયો છે અને હવે મહાસત્તાઓનું મહાયુદ્ધ બની જાય તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વિપરીત સંજોગો વચ્ચે પણ મોટાભાગના વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ હતું. ક્રૂડતેલના ભાવ વધ્યા પછી હવે ઘટવાતરફી બન્યા હતા. વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય શેરોની ખરીદી તરફ વળ્યા હતા. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયરે જણાવ્યું હતું કે, અમેરિકા-ઇરાન વચ્ચે વાતચીત થશે તેથી તાત્કાલિક લશ્કરી પગલાંનું જોખમ મુલતવી રહેવાની શક્યતાએ બજારો વધ્યા હતા અને ક્રૂડતેલના ભાવ ઘટયા હતા. વિદેશી રોકાણકારો તથા સ્થાનિક બજારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. સેન્સેક્સમાં ભારતી એરટેલ, નેસ્લે, એમ એન્ડ એમ, પાવરગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ઇટર્નલ અને એચડીએફસી બેન્ક વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક અને મારુતિ ઘટયા હતા. નિફ્ટીમાં જિયો ફાઇનાન્સિયલ્સ, એમ એન્ડ એમ, ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રેન્ટ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારુતિ અને ડો. રેડ્ડીઝ લેબ ઘટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.93 ટકા ઘટીને પ્રતિ બેરલ 77.33 ડોલર થયો હતો. એક્સચેંજના એક અહેવાલ મુજબ ગુરુવારે એફઆઈઆઈએ રૂા. 934.62 કરોડના શેર ખરીદ્યા હતા. ડીઆઈઆઈએ રૂા. 605.97 કરોડના શેર ખરીદ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd