ભુજ, તા. 20 : પેઢીના માલિક તરીકેની ઓળખ આપી
મોલમાં ભાગીદારી આપવાના બહાને ભુજના વરિષ્ઠ નાગરિક પાસેથી જુદી-જુદી બાબતે ટુકડે-ટુકડે
રૂા. 60 લાખ પડાવી લીધા બાદ નાણાં કે
ભાગીદારી નહીં આપનારા અંજારના સવરાજ પાલુ સુમાણિયા ગઢવી અને કુકમાના રાજેશ શાંતિલાલ
આહીર વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી. ફરિયાદમાં લખાવાયેલી
વિગતો મુજબ, ગત વર્ષે જાન્યુઆરી માસમાં
ટ્રોલી મોલના સંચાલકો દ્વારા રોકાણ અંગે અખબારમાં જાહેરાત અપાઈ હતી, જેના પગલે ફરિયાદીએ ફોન કરતાં મામા એન્ટરપ્રાઈઝ ભાગીદારી પેઢી હેઠળના ટ્રોલીમોલના
સંચાલકો તરીકેની ઓળખ આપી હતી અને રોકાણ કરવાની ઓફર કરવા સાથે ભુજના ઘનશ્યામનગર તથા
માધાપરમાં આવેલા ટ્રોલીમોલમાં રૂબરૂ બોલાવી રોકાણ અંગેની વાતચીત કરી હતી. આરોપીઓ સવરાજ
ગઢવી અને રાજેશ આહીરે કોમ્પ્યુટરમાં નફાની ગણતરી કરી હતી અને ખર્ચ બાદ કરતાં નવ ટકા જેટલો નફો મળે છે તેમ જણાવ્યું
હતું, જેથી કુલ રૂા. 60 લાખનું રોકાણ કરી મામા એન્ટરપ્રાઈઝમાં સરખા હિસ્સામાં ભાગીદાર
તરીકે જોડવાની વાત કરી ભુજ, માધાપર અને
અંજાર ઉપરાંત આઈયાનગર સ્થિત ડી એન્ડ એચ મોલને ભાડે રાખી તેમાં પણ ટ્રોલી મોલ ખોલવાની
વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને બંને આરોપી ડી એન્ડ એચ મોલના માલિકને મળ્યા બાદ
રૂા. સાત લાખમાં જે સ્થિતિમાં છે તેમાં લેવાનું નક્કી કરાયું હતું, જે પછી ફરિયાદીએ મૌખિક ધોરણે ભાગીદાર
તરીકે પહેલા હપ્તા પેટે રૂા. 15 લાખ આરોપીઓને બેંક મારફતે આપ્યા હતા, જેમાંથી સાત લાખ ડી એન્ડ એચ મોલ ખરીદવા અને
બાકીનાં નાણાં રાજકોટ ખાતે આવેલી પેઢીમાંથી ફર્નિચર સહિતના સાધનો ખરીદવા ચૂકવાયા હતા.
આરોપીઓએ વિવિધ રીતે જુદી-જુદી રકમ મળી કુલ રૂા. 60 લાખ મેળવી લીધા બાદ મામા એન્ટરપ્રાઈઝ
ટ્રોલી મોલમાં ભાગીદાર ડીડનું લખાણ કરાવવા ફરિયાદીએ કહેતાં બંને આરોપીએ બહાના બતાવ્યા
હતા, જેથી ફરિયાદીને શંકા જતાં વધુ તપાસ કરી હતી,
જેમાં સવરાજ અને રાજેશ બંને પેઢીના ભાગીદાર ન હોઈ માત્ર સંચાલક છે,
જેમને અગાઉ પેઢીમાંથી છૂટા કરાયા હતા અને માત્ર પગારદાર તરીકે વહીવટ
તથા નાણાકીય વ્યવહાર સંભાળતા હોવાનું માલૂમ પડયું હતું. ત્યાર પછી ફરિયાદીએ બંને આરોપીને
ભાગીદારી પેઢીમાં નામ દાખલ કરવા જણાવતાં બંને આરોપીએ માત્ર વાયદાઓ જ કર્યા હતા. તેથી
નાણાં પરત મગાતાં બંને આરોપીએ નાણાં પાછા નહીં આપીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. આ મામલે વાટાઘાટથી નીવેડો આવી જશે તેવી ફરિયાદીએ આશા સેવી હતી, પરંતુ અંતે પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું સમજી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ
મથકે ફોજદારી નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.