• મંગળવાર, 17 જૂન, 2025

કચ્છમાં મેઘરાજાની શાહી સવારી; અડધાથી બે ઇંચ

ભુજ, તા. 16 : ગુજરાતમાં સોમવારે ચાર દિવસ વહેલાં બેઠેલાં ચોમાસાંએ કચ્છ પર પણ વરસાદી વહાલ વરસાવ્યું હતું. આજે રાત્રે જિલ્લા મથક ભુજ, માધાપરમાં પણ વાદળો વરસી પડતાં શહેરી જનજીવને લાંબા સમયથી અકળાવતા ઉકળાટમાં રાહત મળવાની આશા બંધાઇ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સર્ક્યુલેશનની સાનુકૂળ સ્થિતિ આખું અઠવાડિયું વરસાદી માહોલ રચશે, તેવા વર્તારાને સાચો પાડવાની શરૂઆત સોમવારની રાત્રે ભુજમાં થઇ હતી. રાત્રે 10થી 12 વચ્ચે ભુજ અને ગાંધીધામમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. દાહક લૂના લાંબા દોરથી ત્રાસી ગયેલા લોકો સાંજ ઢળતાં જ શીતળ થવા માંડતી પવનની લહેરખીનો લ્હાવો લેવા માટે ઘરોની બહાર રાત્રે નીકળ્યા, ત્યારે ઝરમર સાથે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વીજળીના ચમકારા સાથે વાલીડો વરસી પડતાં હાશ હવે ચોમાસું ખરેખરું બેઠું તેવા હાશકારા સાથે શહેરે રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના માર્ગો આ ચોમાસે પહેલીવાર ભીંજાયા હતા. દરમ્યાન કચ્છના કાંઠાળ વિસ્તારમાં સારો વરસાદ થયો છે. સાત તાલુકામાં હળવાંથી ભારે ઝાપટાંએ આગોતરો વરસાદી માહોલ જમાવી દીધો છે.

મુંદરામાં રાતે વીજકડાકા સાથે, માંડવીમાં રમઝટભેર અને ભચાઉમાં ધીમી ધારે વરસાદ

ભુજ, તા. 16 : કચ્છમાં જામેલા મેઘમાહોલ વચ્ચે મોડી રાત્રે મુંદરા, માંડવી તેમજ ભચાઉથી વરસાદી કૃપાના અહેવાલ પ્રાપ્ત થયાં હતા. મુંદરામાં રાત્રે 11 વાગ્યા બાદ ફરી બીજો રાઉન્ડ શરૂ થયો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે મોટું ઝાપટું પડયું હતું. સત્તાવાર મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. આ લખાય છે, ત્યારે રાત્રે 11-40 વાગ્યે લગભગ અડધો કલાકથી વરસાદ ચાલુ છે અને એકાદ ઇંચ જેવું પાણી પડી ચૂક્યું છે. માંડવીમાં પણ મોડી રાતના મેઘરાજાએ રમઝટ બોલાવી એકથી વધુ ઇંચ જેવું પાણી વરસાવ્યું હતું, જ્યારે ભચાઉમાં રાત્રે 11 વાગ્યા બાદ ઝરમર ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd