• બુધવાર, 02 જુલાઈ, 2025

પિતાએ માર મારતાં ઘરેથી ભાગેલો પાકિસ્તાની યુવાન કચ્છથી ઝડપાયો

ભુજ, તા. 7 : ઘરેલુ ત્રાસથી કંટાળીને ભાગી છૂટેલો પાકિસ્તાનનો લવ સ્વરૂપ ભીલ (ઉ.વ. 18) નામનો યુવાન ભારત-પાક સીમામાં ઘૂસ્યા બાદ કચ્છની રણ સરહદમાંથી ઝડપાયો હતો. આ અંગે ખાવડા પોલીસે આપેલી વિગતો મુજબ, ભારતમાં ગેરકાયદે ઘૂસેલા આ યુવાનને તેના પિતા માર મારતા હોઈ મારની બીકથી ગુરુવારે તે ઘરેથી નાસી છુટયો હતો અને પગપાળા ભારત-પાક સીમામાં ઘૂસી આવ્યો હતો. ચાલતાં-ચાલતાં તે ભારતની હદ વટાવી બીએસએફ પોસ્ટ અને શહીદ સ્મારકથી બે કિ.મી. દૂર આર.ઈ. પાર્ક માર્ગ પર શંકાસ્પદ રીતે ફરતો યુવક મળી આવ્યો હતો. તેથી તેને ઝડપી પડાયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક પાસેથી વી.જી.ઓ. ટેલિ કંપનીનો સીમ વિનાનો મોબાઈલ, પાક બનાવટની માચીસ અને પાક ચલણની 50ની નોટ મળી આવ્યા હતા. આ શખ્સ ભારતની સીમામાં કઈ રીતે ઘૂસ્યો તે જાણવા માટે બીએસએફ, આઈબી અને પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી યુવકને તે સ્થળે લઈ ગયા હતા, જ્યાંથી તે ગેરકાયદે પ્રવેશ્યો હતો. આ મામલે ખાવડા પોલીસ મથકમાં જાણવાજોગ નોંધાવાઈ હતી અને સરકારી ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd