• શનિવાર, 27 જુલાઈ, 2024

પ્રદૂષણ નિયંત્રણ માટે શરૂઆત પોતાથી જ કરીએ

વહેલી સવારની શરૂઆત `શુભ પ્રભાત'થી થતી હોય છે. શનિવારે બીજી ડિસેમ્બરે આપણે સ્વચ્છ પ્રભાતથી શરૂઆત કરીએ તો ? લગાતાર વધતાં પ્રદૂષણે ગંભીર ચિંતા જગાવી છે. પ્રકૃતિના રંગ બદલાઇ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં દૂષિત હવા, અશુદ્ધ પાણી, ઘોંઘાટથી ગૂંગળામણ અનુભવાય છે. આ સ્થિતિ બદલવાનો પડકાર છે. એ માટે આપણે આપણી આદતો બદલવી પડશે... પ્રકૃતિના મિત્ર બનીને જીવીશું તો પૃથ્વીએ તંદુરસ્ત રહેશે અને આપણે પણ. નિમિત્ત છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ?દિવસ. 1984માં ભોપાલ ખાતે યુનિયન કાર્બાઇડમાં ભયજનક દુર્ઘટના સર્જાઇ હતી. હજારો લોકો માર્યા ગયા હતા. એ ગોઝારી ઘટનાની યાદમાં દર વર્ષે બીજી ડિસેમ્બરે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે મનાવાય છે. હેતુ સ્પષ્ટ છે, પ્રદૂષિત આબોહવા, જળ, ભૂમિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો. યોગાનુયોગ દુબઈમાં જળવાયુ કાર્યવાહી અંગેનું શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિશ્વનેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે એવા સમયે કચ્છમિત્રએ આ ઉમદા વિચારને વાચકો સમક્ષ મૂક્યો. શનિવારે બીજીએ સવારે 10થી 11 કાર, સ્કૂટરને એક કલાક તિલાંજલિ આપવા અનુરોધ કર્યો. આ સદ્વિચારને જિલ્લાભરમાં આવકાર મળ્યો. કેટલીય સંસ્થાઓ, યુવાનો પહેલને કચ્છહિતની પહેલ તરીકે લઇને સંકલ્પબદ્ધ બન્યા છે. આજે પ્રદૂષણ માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વ માટે ગંભીર સંકટ?બન્યું છે.પાણીજન્ય રોગો, શ્વસન સંબંધિત બીમારી લગાતાર વધી રહી છે. પ્રદૂષણની સૌથી મોટી દેન છે ગ્લોબલ વોર્મિંગ. જળવાયુ પરિવર્તનથી દુનિયા આખી પીડિત છે. ઉત્તર ધ્રુવમાં, આઇસલેન્ડમાં હિમખંડ?ઓગળી રહ્યા છે, હિમાલયમાં બરફ ઓછો થવા લાગ્યો છે, પ્રાકૃતિક વિપદાઓ સમયાંતરે જાનમાલનું ભયાવહ નુકસાન કરી રહી છે. ઋતુચક્ર ખોરવાઇ?ગયું છે, ઉનાળામાં ઉષ્ણતામાન 50 ડિગ્રીને પાર થાય છે, શિયાળાની અસર ક્યાંક ઓછી વર્તાય છે, ચોમાસું તો એવું અનિયમિત બન્યું છે કે, મેઘરાજા વરસે ત્યાં જળપ્રલય મચાવે છે અને મોં ફેરવી લે ત્યાં દુષ્કાળની સમસ્યા સર્જાય છે. કુદરત આપણને ચેતવણી આપી રહી છે કે, ભૌતિક સુખ-સગવડો પાછળની દોડમાં હવે સંયમ નહીં રહે તો પરિણામ વિનાશક જ હોવાનાં. કુદરતનાં સંસાધનો ખૂટયાં છે, પ્રકૃતિ દબાણ અનુભવી રહી છે. આનો ઉપાય વિજ્ઞાનીઓ પાસે નથી, આપણા હાથમાં છે. સ્વચ્છ વાતાવરણ?બનાવવા માટે સૌએ જાગૃત થવું પડશે. સૌએ વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે પ્રયાસ કરવા પડશે. કેટલાક લોકો એવું માનતા હશે કે, મહાકાય ઉદ્યોગો, પાવર પ્લાન્ટ, ખાણવાળા પર્યાવરણની ઘોર ખોદે છે એમાં આપણાથી શું થાય ? બિલકુલ નહીં, આપણે પોતાથી, પોતાનાં ઘર, ફળિયા, નગરથી શરૂઆત કરીએ તો એનાં ઉત્તમ પરિણામ આવશે. પર્યાવરણનાં જતન માટે જાગૃત બનીએ, વાહનોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ, ઘોંઘાટ?ન કરીએ, કચરો જેમ તેમ ન ફેંકીને યોગ્ય નિકાલ કરીએ, વીજળી-પાણીની બચત કરીએ, સાથે બીજાઓને પણ?આ માટે સમજાવીએ. ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે નાનાં સરખાં યોગદાનથી મોટી ક્રાંતિ થઇ શકે છે એ રખે ભૂલાતું. આ તકે ઉદ્યોગો અને વ્યવસાયકારોએ પણ મોટી ભૂમિકા ભજવવાની છે. જળવાયુ પરિવર્તનનાં માઠાં પરિણામ દુનિયા આખી ભોગવી રહી છે. ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીનાં અસ્તિત્ત્વ માટે ખતરો બનતું જઇ રહ્યું છે, ત્યારે સૌ કોઇએ જવાબદારી સમજીને પોતાનું યોગદાન આપવાનું છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસે સંકલ્પ લઇએ કે, આપણે પર્યાવરણ-પ્રકૃતિને અનુકૂળ રીત-રસમો અપનાવીશું. સ્વચ્છ અને સ્વસ્થ ગ્રહ માટે સતત પ્રયત્નશીલ રહીશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang