રામજી મેરીયા દ્વારા : ચોબારી, તા.3 : કચ્છ હવે વિવિધ ક્ષેત્રે જાણીતું
બન્યું હોવાથી અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં લોકેશન માટે ડાયરેકટરો પસંદગી ઉતારતા
હોય છે અને સફળ પણ થયાં છે તેમ અનેક હિન્દી ફિલ્મો બાદ કચ્છમાં મોટાગજાની ગુજરાતી ફિલ્મનું
શુટીંગ ભુજમાં શરૂ થયું છે. ભુજની જાણીતી હોટેલ ધ વિલા ખાતે મોટા કાફલા સાથે આવેલા
સિને પરદાના ખુબજ જાણીતા કલાકારોએ પણ કચ્છમાં ધામા નાખ્યા છે. `નિતિ સાલી' પ્રોડકશન દ્વારા નિર્માણ પામનારી `વાંકીચૂકી લવસ્ટોરી' નામની ફિલ્મમાં જાણીતા ડીરેકટર ધ્વની ગૌતમે
ડીરેક્ટ કરેલી ફિલ્મમાં કચ્છના ભાવિન ભાનુશાલી મુખ્ય હિરોની ભુમિકામાં છે જ્યારે હીરોઈન
તરીકે પૂજા જોશી તેમજ સહાયક હીરો તરીકે પરિક્ષીત તમાલીયા અને મીલોની જોનસા છે. આ ઉપરાંત
બસો ઉપરાંત ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ ધરાવનાર ધર્મેશ વ્યાસ, શેખર શુક્લા, રૂપા મહેતા, ચેતન
દૈયા સહિતના ગુજરાતના જાણીતા કલાકારો એકાદ મહિના જેટલો સમય કચ્છમાં વીતાવી વિવિધ લોકેશન
વિજયવિલાસ, પ્રાગ મહેલ, લખપત, ના.સરોવર, કોટેશ્વર, કાળો ડુંગર,
રણ અને સ્મૃતિવન સહિતના જાણીતા સ્થળ પર વાંકીચૂંકી લવસ્ટોરી ગુજરાતી
ફિલ્મનું શુટીંગ કરશે. ફિલ્મમાં કચ્છના અંદાજે 50 જેટલા કલાકારોને પણ તક આપવામાં
આવી છે. કચ્છમાં જ ફિલ્મનું શુટિંગ કરવાનું કારણ શું? તેવા સવાલના જવાબમાં કચ્છી પ્રોડયુસર ચિયાસરના
વતની નિતિન ભાનુશાલીએ જણાવ્યું કે કચ્છી હોવાના નાતે કચ્છ પ્રત્યે પ્રેમ હોય તે સ્વાભાવિક
છે અને કચ્છની ધરતી પરના વિવિધ લોકેશન મોટા પરદા પર ધૂમ મચાવે તે જોઈ દેશ દુનિયા સુધી
કચ્છીયત પહોંચે તેવી લાગણી વ્યકત કરી હતી. આ ફિલ્મના માધ્યમથી કચ્છને દુનિયામાં વર્ણવવું
છે. મુળ હિન્દી ભાષી પરંતુ ગુજરાતી ભાષા પ્રત્યે
લગાવ ધરાવનાર અને દસ જેટલી ગુજરાતી ફીલ્મોનું નિદર્શન કરનાર ધ્વની ગૌતમને ગુજરાતી ફિલ્મ પ્રત્યેનો લગાવ કેમ છે તેવું
પુછતાં તેમણે જણાવ્યું કે, મારો પરિવાર ગુજરાતમાં વસે છે અને
આના પહેલાં પણ અનેક ગુજરાતી ફિલ્મો કરી છે. ગુજરાતી સમજું છું પણ બોલતાં નથી આવડતી
ગુજરાતી પ્રત્યે મને લગાવ છે એમ કહી શુટીંગમાં વ્યસ્ત હોવા છતાં સેટ પર જ બેઠા કચ્છમિત્ર
સાથેની વાતચીતમાં કહ્યું કે, સાત જેટલી ગુજરાતી ફિલ્મો તેમણે
દુનિયાના વિવિધ દેશોમાં કરી છે ગુજરાતી પ્રત્યે એક અલગ જ લગાવ હોવાની લાગણી વ્યકત કરી
હતી. ફિલ્મોમાં `ઓર્ડર આઉટ
ઓફ ઓર્ડર', `રોમકોમ', `હું તારી
ર કેસરીયા', `પટેલ વર્સીસ પેટ્રીક', `મીડનાઈટ વીથ મેનકા', `ગોળકેરી' જેવી અનેક ફિલ્મોનો નિદર્શન તેઓ કરી ચૂક્યા
છે. વરસો સુધી દુરદર્શનના વરિષ્ઠ રહેલા પ્રોગ્રામ ઓફિસર રૂપા મહેતા પણ આ ફિલ્મમાં ભુમિકા
ભજવી રહ્યા છે અને આ ગુજરાતી ફિલ્મમાં પૂર્ણપણે કચ્છના જ સ્થળો હશે ત્યારે આવનારા સમયમાં
કચ્છના વિવિધ લોકેશનો હવે ડેસ્ટીનેશન વેડિંગનું હબ બની શકે એમ જણાવ્યું હતું. કચ્છના
પ્રવાસનને પણ વધુ વેગ મળશે અને `ડેસ્ટીનેશન વેડિંગ' રસીયાઓ માટે કચ્છ વધુ લોકપ્રિય બનશે. હવે ગુજરાતી ફિલ્મોમાં અર્બન ફિલ્મો બનાવવાનો
ટ્રેન્ડ આવ્યો છે ત્યારે કચ્છના લોકેશનો, પ્રવાસન સ્થળો તેમાં
મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત થઈ હતી.