• શુક્રવાર, 04 જુલાઈ, 2025

કચ્છને અંતે મળ્યા 367 ઉચ્ચ માધ્યમિકના શિક્ષક

ભુજ, તા. 3 : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત કચ્છને ફાળવાયેલા 293 ઉચ્ચ માધ્યમિક શિક્ષકને નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, તો આગામી 8મી જુલાઈએ ગ્રાન્ટેડમાં વધુ 74 શિક્ષકને નિમણૂક પત્ર અપાશે. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રારંભે ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું, જ્યારે શાબ્દિક સ્વાગત નોડલ અધિકારી બિપિન વકીલે કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાનો આભાર વ્યક્ત કરી નવા નિમણૂક પામેલા શિક્ષકોને ભરતી થયા બાદ થોડા સમયમાં જ બદલીની ચિંતા ન કરતા, કચ્છનાં બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમનાં ઘડતર માટે વધુમાં વધુ સમય કચ્છમાં વિતાવવા અને કચ્છને જાણવા અને માણવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ભરતીનું સેન્ટર બનેલાં કચ્છમાં અનેક રજૂઆતો બાદ માંડ ભરતી થઈ છે, ત્યારે કચ્છમાં ટકી બાળકોને પારખી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. જો કે, જિલ્લા શિક્ષણાધિકારીએ આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારો 50 ટકા હોવાની વાત કરી હતી, જેથી સાંસદ  શ્રી ચાવડાએ ઉપસ્થિત ઉમેદવારોને સ્સ્થાનિકોને હાથ ઊંચો કરવા જણાવતાં માંડ સાતથી આઠ લોકોએ હાથ ઊંચો કર્યો હતો જેથી સાંસદે ટકોર કરી આ તો માત્ર 20 ટકાયે માંડ થાય છે. હાલ, જ્યારે સ્થાનિકોની ભરતી માટે માંગ ઊઠી રહી છે, ત્યારે આ ભરતીમાં સ્થાનિકોને પૂરતી તક ન મળતાં કચ્છમાં જિલ્લાફેર બદલી અને ઘટનો પ્રશ્ન સળગતો રહેશે તેવું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. આ તકે ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ નવા ભરતી થયેલા ઉમેદવારોને શીખ આપતાં જણાવ્યું કે, ભરતી થયા બાદ સમયાંતરે બદલી કરાવી વતનમાં જાવ તેમાં કોઈ વાંધો ન હોય, પરંતુ અહીંનાં બાળકોનું ભવિષ્ય ન બગડે તેની ચિંતા સેવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા  શિક્ષણાધિકારી સંજય પરમારે પ્રસંગ પરિચય આપતાં જણાવ્યું હતું કે, કચ્છના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, કચ્છના પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કચ્છહિતની ચિંતા સેવી મોટી સંખ્યામાં શિક્ષકની ફાળવણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે કચ્છને ફાળવાયેલા સરકારી શાળાઓના ઉચ્ચ માધ્યમિક શાળાના 293 શિક્ષકને નિમણૂક પત્ર અપાયા બાદ આગામી આઠમીએ ગ્રાન્ટેડ શાળા માટે ફાળવાયેલા 74 શિક્ષકને નિમણૂકના ઓર્ડર અપાશે, તો આજના કાર્યક્રમમાં 293માંથી 242 ઉમેદવાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત માધ્યમિક વિભાગનીયે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં પણ 551 જેટલા વધુ શિક્ષક કચ્છને ફાળવાયા છે, જેમના હુકમો પણ 15 દિવસ પછી અપાશે. આ ભરતી થયા બાદ કચ્છમાં તમામ જગ્યા ભરાઈ જશે તેમ છતાં જો કોઈ જગ્યા ખાલી રહેશે, તો સરકારે જ્ઞાન સહાયકની છૂટ આપી હોવાથી તે જગ્યા પણ તેનાથી ભરાશે. આ ભરતીમાં ખાસ કરીને 50 ટકા સ્થાનિક ઉમેદવારો હોવાથી આવા ઉમેદવારોની બદલીની ચિંતા પણ નહીં રહે. દરમ્યાન કચ્છમાં વિશેષ ભરતીમાં ફાળવાયેલા 4100 શિક્ષક પૈકી 2500ની પ્રક્રિયા ચાલુમાં છે, જેથી પ્રાથમિકમાંયે ઘટનો પ્રશ્ન હલ થઈ શકશે, તો દિવ્યાંગો માટેની ખાસ ભરતીમાં પણ 21 શિક્ષકની ફાળવણી કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં હેડકલાર્ક કૃણાલ મકવાણા, કમલેશ સીજુનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમે સંકલન કર્યું હતું, ઓફ્રેડના આચાર્ય  દિવ્યરાજસિંહ જાડેજા સહયોગી બન્યા હતા. તાલુકાવાર જોઈએ, તો ભુજ તાલુકામાં 49, અંજારમાં 47, અબડાસામાં 13, ભચાઉમાં 20, ગાંધીધામમાં 12, લખપત 7, નખત્રાણા 14, માંડવી 18, મુંદરા 29 અને રાપર તાલુકામાં 33 શિક્ષક હાજર થયા છે. 

Panchang

dd