• શુક્રવાર, 04 જુલાઈ, 2025

ખનિજ રોયલ્ટી પર પ્રીમિયમ લાગતાં વર્ષે 200 કરોડ વધી શકે

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 3 : કચ્છના પેટાળમાં ધરબાયેલા જુદા-જુદા પ્રકારના ખનિજના જથ્થાની માંગ દેશ-દુનિયામાં વધતી જાય છે, ત્યારે 2017 પહેલાં કચ્છમાં મંજૂર થયેલી લીઝના લીઝધારકો પાસેથી રોયલ્ટી પ્રતિ ટને જે લેવામાં આવતી હતી તેમાં પ્રીમિયમ વધારી દેવાતાં એકમાત્ર કચ્છમાં જ આ ખનિજની રોયલ્ટી પેટે વર્ષે રૂા. 200 કરોડનો વધારો થાય તેવી ધારણા બંધાઇ છે. મળેલી વિગતો પ્રમાણે રાજ્ય સરકાર તરફથી નવી લીઝ માટે લિલામી કરવામાં આવે છે. 2017 પછી આ કાયદો અમલમાં આવ્યો છે. કચ્છના પૂર્વ અને પશ્ચિમ એમ બે ખાણ-ખનિજ વિભાગ હસ્તક અંદાજે એક હજાર ખનિજની લીઝ આવેલી છે. - 2017 પહેલાંનો નિયમ : 2017 પછી લિલામી થાય છે, પરંતુ 2017 પહેલાંની લીઝ માટે શું તો સરકારે આવી લીઝમાંથી નીકળતા ખનિજ તેમાંય ખાસ કરીને ગૌણ પ્રકારના 20 જેટલા ખનિજના જથ્થા ઉપર પ્રતિટન દીઠ જે રોયલ્ટીનો ભાવ છે તેમાં એટલું જ પ્રીમિયમ ઉમેરી દેતાં હવે રોયલ્ટીની પ્રતિટન દીઠ રકમ ડબલ થઇ જવા પામી છે. - બાંધકામનો ભાવ વધી શકે : જો કે, કચ્છમાં ખાસ કરીને બાંધકામ વ્યવસાય ઉપર  ભાવવધારાનો બોજ આવ્યો હોવાથી બાંધકામના પ્રતિ સ્ક્વેર ફૂટ દીઠ ચાલતા ભાવમાં ઉછાળો આવી શકે છે. - આ પ્રીમિયમ છે : પશ્ચિમ વિભાગના ભૂસ્તરશાત્રી દેવેન્દ્ર બારિયાનો સંપર્ક સાધતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું ને કહ્યું કે, લીઝ વધારવામાં નથી આવી, પરંતુ પ્રીમિયમ લેવામાં આવશે. રેતી, કાંકરી, ચાઇનાક્લે, બેન્ટોનાઇટ, મોરમ જેવા જુદા-જુદા 20 પ્રકારના ખનિજમાં પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, કરવાથી શું ફાયદો થશે, આ બાબતે તેમણે જણાવ્યું કે, રોયલ્ટીની આવક જે દરવર્ષે કચ્છમાંથી થાય છે તેમાં કરોડો રૂપિયાનો સરકારને ફાયદો થશે. તેમણે જણાવ્યું કે, મુખ્ય ખનિજ ગણાતા લાઇમસ્ટોન, બોક્સાઇટ, લિગ્નાઇટ જેવા ખનિજ ઉપર કોઇ પ્રીમિયમ લેવામાં આવશે નહીં. જે રોયલ્ટીનો ભાવ છે એ જ રાખવામાં આવ્યો છે. - આવક કેટલી ? : મુખ્ય ખનિજ ક્ષેત્રે પશ્ચિમ કચ્છમાંથી વર્ષે રૂા. 161 કરોડની આવક થાય છે. આ 2024-25નો આંકડો છે. એવી રીતે ગૌણ પ્રકારની રોયલ્ટી પેટે રૂા. 134.72 કરોડની આવક નોંધાઇ છે. જો હવે રોયલ્ટી સરખું જ ગૌણ ખનિજ ઉપર પ્રીમિયમ લેવામાં આવશે તો રૂા. 134.72 કરોડનો વર્ષે વધારો થઇ જશે. બીજીબાજુ પૂર્વ કચ્છની ખાણ-ખનિજ વિભાગની કચેરી અંજાર ખાતે આવેલી છે. અહીંના ભૂસ્તરશાત્રી નરેન્દ્ર પટેલને પૂછતાં તેમણે વિગતો આપી હતી. અંજાર વિસ્તારમાં 300 જેટલી લીઝ આવેલી છે એમ જણાવતાં કહ્યું કે, પૂર્વ કચ્છ વિભાગની આવક વર્ષે રૂા. 92 કરોડની હતી, જો હવે પ્રીમિયમ લેવાનું ચાલુ થતાં માર્ચ-2026 સુધી આવકનો આંક રૂા. 140 કરોડને વટાવી જશે. - વધારો કેવી રીતે : શ્રી બારિયા તથા શ્રી પટેલના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સાદી રેતીનો ભાવ પ્રતિટન રૂા. 45 છે, તે રૂા. 90 રોયલ્ટી પેટે વસૂલવામાં આવશે. એવી જ રીતે બ્લેકટ્રેપના 45ના રૂા. 90, બેન્ટોનાઇટના રૂા. 110ના રૂા. 220, ચાઇનાક્લેના રૂા. 45ના રૂા. 90 થઇ જશે. ડબલ જેવો વધારો થાય તેવું તેઓએ ઉમેર્યું હતું. - ડી.એમ.એફ.ની ગ્રાંટમાં પણ વધારો થઇ જશે : ભુજ, તા. 3 : કચ્છમાંથી નીકળતા ખનિજમાંથી વર્ષે મળતી રૂા. 400 કરોડની અંદાજિત રોયલ્ટીમાંથી ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનને રૂા. 40 કરોડની વિકાસકામો માટે ગ્રાંટ મળે છે, તેમાં પણ વધારો થઇ શકે છે. 10 ટકા પ્રમાણે રૂા. 40 કરોડની આસપાસ ડી.એમ.એફ.ની ગ્રાંટમાંથી કચ્છના 200થી વધુ ગામને લાભ મળી રહ્યો છે. કેમ કે, જ્યાં ખનિજ નીકળે છે તેની આસપાસનાં ગામોમાં રકમ વપરાય છે. હવે રૂા. 200 કરોડની આવક વધતાં ડી.એમ.એફ.ની ગ્રાંટ પણ રૂા. 60 કરોડને પાર કરી શકે છે. 

Panchang

dd