• શુક્રવાર, 04 જુલાઈ, 2025

શુભમનની યાદગાર બેવડી સદી : ઈંગ્લેન્ડ ભીંસમાં

બર્મિંગહામ, તા. 3 : કપ્તાન શુભમન ગિલની યાદગાર અને વિક્રમી બેવડી સદી (269 રન)ના સહારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં 587 રન ખડક્યા બાદ આકાશદીપ (36 રનમાં બે વિ.)ના નેતૃત્વ હેઠળ ભારતીય બોલરોએ અંગ્રેજોની ત્રણ વિકેટ ઝડપથી ખેરવી નાખી હતી અને ગૃહ ટીમ ભીંસમાં મુકાઈ હતી. દિવસના અંતે ઈંગ્લેન્ડે 3 વિકેટે 77 રન કર્યા હતા. જો રૂટ 18 અને હેરિ બ્રુક 30 રને દાવમાં હતા તે હજી 510 રન પાછળ છે. અનેક કીર્તિમાનો રચી ગિલે કમાલ કરી હતી. તેને રવીન્દ્ર જાડેજા (89) અને વોશિંગ્ટન સુંદર (42)નો સાથ મળ્યો હતો. આકાશદીપે બે દડામાં ડકેટ (0) અને પોપ (0)ને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો. સિરાજે ક્રાઉલીને 19 રને શિકાર બનાવ્યો હતો. કેપ્ટન શુભમન ગિલની 269 રનની ઐતિહાસિક ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટના પહેલા દાવમાં ભારતે પ87 રન ખડકયા હતા. 269 રનની વિક્રમી કેપ્ટન ઇનિંગ્સ રમનાર શુભમન ગિલે વિક્રમોની વણઝાર રચી હતી. આ પછી આકાશદીપ ત્રાટકયો હતો. તેણે દાવની ત્રીજી ઓવરમાં ઉપરાઉપરી બે વિકેટ ઝડપી ઇંગ્લેન્ડને પાછળ ધકેલી દીધું હતું. તેણે ચોથા દડે બેન ડકેટ (0)ને સ્લીપમાં ગિલના હાથે કેચ આઉટ કર્યો હતો. જ્યારે ઓલિ પોપ પણ સ્લીપમાં રાહુલને કેચ આપી ગોલ્ડન ડક થયો હતો. જ્યારે જેક ક્રાઉલી (19)નો શિકાર મોહમ્મદ સિરાજે કર્યો હતો. તે પણ સ્લીપમાં કેચ આપી આઉટ થયો હતો. ગિલના સાથમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 89 અને વોશિંગ્ટન સુંદરે 42 રનની શાનદાર સહયોગી ઇનિંગ્સ રમી હતી.  કપ્તાન ગિલને આ વખતે નીચલી મધ્ય હરોળના બેટર્સનો સારો સાથ મળ્યો હતો. તેણે જાડેજા સાથે છઠ્ઠી વિકેટમાં 203 અને વોશિંગ્ટન સુંદર  સાથે સાતમી વિકેટમાં 144 રનની સંગીન ભાગીદારી કરી હતી.  ત્રેવડી સદી ભણી આગળ વધી રહેલ શુભમન ગિલ ટી ટાઇમ પછી 269 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 387 દડાની મેરેથોન ઇનિંગ્સ દરમિયાન 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી એજબેસ્ટન મેદાન પર અદ્ભુત બેટિંગ પ્રદર્શન કર્યું હતું. ગિલે તેની બેવડી સદી 311 દડામાં અને 20 રન 348 દડામાં બનાવ્યા હતા. ચાના સમય પછી ભારતનો દાવ 11 ઓવરમાં પ87 રને સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરને 3 વિકેટ મળી હતી. ક્રિસ વોકસ અને જોશ ટંગના ફાળે 2-2 વિકેટ રહી હતી. આ પહેલાં આજે મેચના બીજા દિવસે ભારતે તેનો દાવ પ વિકેટે 310 રનથી આગળ વધાર્યો હતો. કપ્તાન શુભમન ગિલ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડના બોલરો સામે મક્કમતાથી બેટિંગ કરી ભારતીય ટીમને મોટા સ્કોર તરફ આગેકૂચ કરાવી હતી. જાડેજાએ 23મી અર્ધસદી આ દરમિયાન પૂરી કરી હતી. સદી તરફ આગળ ધપી રહેલ જાડેજા લંચની ઠીક પહેલાં 89 રને આઉટ થયો હતો. તેણે 137 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગો ફટકાર્યાં હતા. જાડેજાએ સુકાની ગિલના સાથમાં છઠ્ઠી વિકેટમાં 279 દડામાં 203 રનની સંગીન ભાગીદારી કરી હતી. આ પછી વોશિંગ્ટન સુંદર અને કપ્તાન ગિલ વચ્ચે સાતમી વિકેટમાં 189 દડામાં 144 રનની ભાગીદારીથી ભારતનો સ્કોર પપ0 ઉપર પહોંચી ગયો હતો. ટી ટાઇમ પહેલાં સુંદર 103 દડામાં 3 ચાગ્ગા-1 છગ્ગાથી 42 રને રૂટના દડામાં બોલ્ડ થયો હતો.  

Panchang

dd