• શુક્રવાર, 04 જુલાઈ, 2025

ભારત લોકશાહીની જનની : મોદી

અક્રા, તા. 3 (પીટીઆઈ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની સંસદને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ભારત લોકશાહીની જનની છે અને બદલાતી પરિસ્થિતિઓના પગલે વૈશ્વિક શાસનમાં વિશ્વસનીય અને અસરકારક સુધારા માટે મજબૂત ભારત વધુ સ્થિર અને સમૃદ્ધ ફાળો આપશે. આ સાથે વિશ્વની પ્રગતિ દક્ષિણ વિના શક્ય નથી તેમ પણ જણાવ્યું હતું. ઘાનાની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કહ્યું. વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે ભારત વિશ્વ માટે શક્તિનો આધારસ્તંભ છે. એક મજબૂત ભારત વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વમાં ફાળો આપશે, ટેકનોલોજીમાં ક્રાંતિ, ગ્લોબલ સાઉથનો ઉદય અને બદલાતી વસ્તી વિષયક બાબતો તેની ગતિ અને વ્યાપમાં ફાળો આપી રહ્યા  છે, બદલાતી પરિસ્થિતિઓ વૈશ્વિક શાસનમાં વિશ્વસનીય અને અસરકારક સુધારાઓની માંગ કરે છે તેમ કહ્યું હતું. ભારત સૌથી ઝડપથી વિકસતૃં - ઉભરતું અર્થતંત્ર છે તેની નોંધ લેતા મોદીએ ઉમેર્યું હતું કે, સ્થિર રાજકારણ અને શાસનના પાયા પર ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલી વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે તેના પર પણ ભાર મુક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, જ્યારે આપણે ઘાના તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક એવા રાષ્ટ્રને જોઈએ છીએ જે હિંમત સાથે ઊભું રહે છે, જે દરેક પડકારનો ગરિમા અને આદર સાથે સામનો કરે છે. સમાવિષ્ટ પ્રગતિ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાએ ઘાનાને સમગ્ર આફ્રિકન ખંડ માટે પ્રેરણાનું કેન્દ્ર બનાવ્યું છે તેમ મોદીએ જણાવ્યું હતું. આ વેળાએ ભારત અને ઘાનાએ ચાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસામાં વધુ સાંસ્કૃતિક સમજણ અને આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. તે ઉપરાંત માનકીકરણ, પ્રમાણપત્ર અને અનુરૂપતા મૂલ્યાંકન, પરંપરાગત દવા શિક્ષણ, તાલીમ અને સંશોધન, ઉચ્ચ-સ્તરીય સંવાદને સંસ્થાકીય બનાવવાનો અને નિયમિત ધોરણે દ્વિપક્ષીય સહયોગ પદ્ધતિઓની સમીક્ષા કરવાનો પણ હેતુ છે. મોદી પહોંચ્યા ત્યારે ઘાનાની પરંપરાગત શૈલીમાં તેમનું સ્વાગત કરાયું હતું, જે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને પ્રતાબિંબિત કરે છે. 

Panchang

dd