કેરા (તા. ભુજ), તા. 3 : કચ્છના સંતરત્ન
શાત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ નિર્માણ કરેલ લંડન ખાતેના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરને
50 વર્ષ પૂર્ણ થતાં નવ દિવસીય
ઉત્સવનું તા. 5/7 શનિવારથી મંગળાચરણ થવા જઇ રહ્યું
છે. છેલ્લા ઘણા સમયથી મહોત્સવની મોટી તૈયારીઓ કરાઇ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત
પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી
પાર્ષદવર્ય જાદવજી ભગત, ઉપમહંત પુરાણી ભગવદજીવનદાસજી આદિ વડીલ
સંતોના આશીર્વાદથી સમગ્ર યુરોપના પ્રથમ શિખરબદ્ધ મંદિર તરીકે જેની યશોગાથા ફરફરે છે
તેવા વિલ્સડન લેન મંદિરમાં બ્રિટનમાં સ્થાપિત હિન્દુ મંદિરોના ઇતિહાસમાં નોંધાય તેવડું
આયોજન કરાયું છે. ખાસ તો સદ્ગુરુ સંતો અને તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે
જેની પ્રતિષ્ઠા કરેલી તે બાળ ઘનશ્યામ મહારાજને સુવર્ણ સિંહાસે બિરાજિત કરાશે તે માટે
અનેક હરિભક્તોએ ભાવપૂર્ણ સેવાઓ કરી છે. મંદિર કમિટિના પ્રમુખ કુંવરજીભાઇ અરજણ કેરાઇ
તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ, કાર્યવાહ સમિતિ સંતોના માર્ગદર્શન હેઠળ
વિવિધ ઉત્સવો, કથા પ્રસંગોની તૈયારીમાં હરિભક્ત ભાઇ-બહેનોના સહયોગે
તૈયારી કરી ચૂક્યા છે. પત્રિકાની વિગતો મુજબ 5/7ના સાંજે પોથીયાત્રા, 7ના બાળ મંડળનું
ભક્તિ નાટક, 8ના આલ્બમ વિમોચન, ભજન સંધ્યા, 9ના યુવક-યુવતી
મંડળની સત્સંગ પ્રસ્તુતિ, 10ના અભિષેક-અન્નકૂટ, 11ના મહારાસ, 12ના સાંસ્કૃતિક
રજૂઆતો, 13ના ઉત્સવ
વિરામ લેશે. દૈનિક કથાવાર્તા, પહેરામણી,
સંત આશીર્વાદ, ધર્મ કુળ આગમન વગેરે પ્રસંગો વણી
લેવાયા છે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિર કચ્છ સત્સંગની જમણી ભૂજા છે. તેના હરિભક્તો
ભુજ મંદિર અને નરનારાયણ દેવના સમર્પિત સેવકો છે. ઉત્સવમાં ભાગ લેવા અનેક સંતો,
હરિભક્તો દેશથી પહોંચ્યા છે તો આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,
સ્વીડન, અખાતી દેશોના કચ્છી હરિભક્તો સત્સંગ લાભ
લેવા લંડન પહોંચ્યા છે. હરિભક્તોમાં ઉત્સાહ છે. યુ.કે.ના તમામ કચ્છ સંલગ્ન સ્વામિનારાયણ
મંદિરોના ભક્તો પણ ઉત્સવમાં ઉપસ્થિત રહેનાર છે.