• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ડિજિટલ ઈન્ડિયાનાં 10 વર્ષ, સફળતા સાથે પડકાર

વિશ્વમાં આજે ડિજિટલ ટેક્નોલોજી રોજબરોજનાં જીવનનું અંગ બની રહી છે, ત્યારે ભારતે પણ આ ટેક્નેલોજીના વિકાસ અને સામાન્ય માનવી સુધી તેની પહોંચ સરળ બનાવવા નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ માટે 201પમાં શરૂ કરાયેલાં ડિજિટલ ઈન્ડિયાનાં મિશને એક દાયકાની સફળ સફર પૂરી કરી છે. ભારતીયોને આ મિશનના લાભો મળતા થયા છે. ખાસ તો ડિજિટલ માધ્યમ માટે અનિવાર્ય એવાં ઈન્ટરનેટનો વ્યાપ અનેકગણો વધ્યો છે. 2014માં દેશમાં ઈન્ટરનેટનાં જોડાણની સંખ્યા 2પ કરોડ હતી, જે 10 વર્ષમાં વધીને 97 કરોડ થઈ છે. સાથોસાથ દેશમાં 42 લાખ કિલોમીટરનાં ઓપ્ટિકલ ફાઈબરનું માળખું બિછાવાયું છે. આ લંબાઈ ધરતી અને ચંદ્રમા વચ્ચેનાં અંતરની 11 ગણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યંy છે કે, ડિજિટલ ઈન્ડિયાની પહેલે અવસરોનું લોકશાહીકરણ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ દેશના અર્થતંત્રને જ્ઞાન આધારિત બનાવવાનો રહ્યો છે. આ મિશનમાં બ્રોડબેન્ડ અને મોબાઈલ કનેક્ટિવીટી, ઈ-વહીવટ, તમામ માટે માહિતી, ઈલેક્ટ્રોનિક્સ આધારિત બાંધકામ, નોકરીઓ માટે આઈટી, કૃષિ ક્ષેત્ર માટે માર્ગદર્શન જેવા મુદ્દા આ મહત્ત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ આવરી લેવાયા છે. આ મિશનનાં 10 વર્ષ દરમ્યાન ડિજિટલ સાક્ષરતાનો વ્યાપ વધ્યો છે, તેની સાથે સરકારી સેવાઓની ઓનલાઈન પહોંચ વિસ્તરી છે. આજે દેશમાં વ્યક્તિગત ડિજિલોકર, યુપીઆઈનાં માધ્યમથી ઓનલાઈન ચૂકવણા, ફાસ્ટેગ અને વિવિધ વ્યક્તિગત સરકારી લાભો દરેક નાગરિક સુધી ઈન્ટરનેટનાં માધ્યમથી પહોંચતા થયા છે. 2023માં વૈશ્વિક રિયલ ટાઈમ ડિજિટલ ચૂકવણામાં ભારતની ટકાવારી 49 હતી. આજે આવા ચૂકવણા માટેના ભારતીય પ્લેટફોર્મ યુપીઆઈની સ્વીકૃતિ સાત દેશ સુધી પહોંચી છે. આ ગુલાબી ચિત્ર વચ્ચે ચિંતાજનક હકીકત એ પણ છે કે, દેશમાં ડિજિટલ ડિવાઈડ એટલે કે, ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચે ઈન્ટરનેટની પહોંચનો ભેદભાવ હજી નોંધનીય છે. આજે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ જાગૃતિ અને શિક્ષણ માત્ર 37 ટકા જેટલું મર્યાદિત છે. આ મર્યાદા અને ભેદભાવને લીધે સીધી અસર સાયબર સલામતી પર અનુભવાતી રહી છે. આજે દેશમાં સાયબર છેતરપિંડીના લગભગ 1પ કરોડ કેસ નોંધાયેલા છે, જે આ મિશનની નબળાઈનું પ્રમાણ આપી જાય છે. આવો જ પડકાર ડિજિટલ પહોંચને વધારવાનો પણ છે. ઈન્ટરનેટની ઝડપથી માંડીને ફાઈવ-જી ટેક્નોલોજીના મર્યાદિત લાભને લીધે ડિજિટલ મિશનની સફળતા પણ મર્યાદિત બની રહી છે. ખરેખર તો સરકારે હવે આ ભેદભાવને દૂર કરવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. વળી આ ક્ષેત્રમાં રોકાણ વધારવા તથા ઈન્ટરનેટના વપરાશકારોને સાયબર સલામતી માટે સતત જાગૃત રાખવા અને ઠગોના કારસાને વિફળ બનાવે એવી સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવા પર પૂરતું ધ્યાન આપવાની જરૂરત છે. આમ થશે તો જ ડિજિટલ ઈન્ડિયા મિશન ખરા અર્થમાં સાર્થક બની શકે. 

Panchang

dd