નવી દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટે
એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે, રસ્તા
ઉપર પોતાની જ ભૂલથી મૃત્યુ પામનારી વ્યક્તિઓને ચૂકવણી કરવા વીમા કંપનીઓ બાધ્ય નથી.
ઝડપના શોખીનો અને બેદરકારીથી મનફાવે તેમ વાહન ચલાવનારાઓ માટે આ ચુકાદો બોધપાઠ સમાન
છે. કારણ કે, બેદરકારી અને બેકાળજીથી વાહન અકસ્માતના સંજોગમાં
વીમા વળતર નહીં મળે. સુપ્રીમ કોર્ટેં કહ્યું હતું કે, સ્ટંટ કરવા
દરમિયાન જે લોકો પોતાની ભૂલથી જીવ ગુમાવે છે
તે લોકોને વળતર ચૂકવવા માટે વીમા કંપની બાધ્ય નથી. એક શખ્સના મૃત્યુ પર કોર્ટના દરવાજે
પહોંચેલા માતા-પિતાને રાહત આપવા સુપ્રીમે ઈનકાર કર્યો હતો. 2014ના જૂન માસના બનાવમાં એનએસ રવિશ મલ્લાસાંદ્રા ગામથી અરાસિકરે
વચ્ચે ફિએટ લીનિયાથી યાત્રા કરી રહ્યા હતા. દરમિયાન કારમાં તેમના પિતા, બહેન અને બાળકો બેઠા હતા. હેવાલ મુજબ,
રવિશ ખૂબ જ બેદરકારીથી ઝડપી કાર ચલાવી રહ્યા હતા અને કાર પર નિયંત્રણ
ગુમાવતા પહેલાં તેમણે ટ્રાફિક નિયમ પણ તોડયા હતા. યાત્રા દરમિયાન કાર રોડ ઉપર પલટી
ગઈ હતી. આ અકસ્માતમાં રવિશનું મૃત્યુ થયું
હતું. તેમના પત્ની, પુત્ર અને માતા-પિતાએ રૂા. 80 લાખના વળતરની માંગ કરી હતી.
પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને દાવો કર્યો કે, રવિશે બેદરકારીથી કાર ચલાવતાં અકસ્માત થયો હતો. મોટર એક્સિડેન્ટલ ટ્રિબ્યુનલે
તેમનો વળતરનો દાવો ફગાવી દીધો હતો.