નોર્થમ્પટન, તા. 3 : 14 વર્ષીય
આઇપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગની મદદથી અન્ડર-19 વન ડે મેચમાં ઇંગ્લેન્ડ સામે
ભારતનો 4 વિકેટે આક્રમક વિજય થયો હતો અને પ મેચની
શ્રેણીમાં 2-1ની સરસાઇ હાંસલ કરી હતી. વૈભવ
સૂર્યવંશીએ ઓપનિંગમાં આવીને મેદાન પર રન રમખાણ સર્જ્યું હતું. તેણે ઇંગ્લેન્ડના તમામ
યુવા બોલરોની ધોલાઇ કરીને માત્ર 31 દડામાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાથી 86 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
હતી. આથી ઇંગ્લેન્ડના 6 વિકેટે 268 રનના જવાબમાં ભારતે 34.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું
હતું. અન્ડર-19 ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીના
9 છગ્ગા ભારત તરફથી સૌથી વધુ છગ્ગાનો વિક્રમ
છે. વૈભવે તેની અર્ધસદી ફક્ત 20 દડામાં પૂરી
કરી હતી. ભારત તરફથી આ ઉપરાંત વિહાન મલ્હોત્રાએ 46, કનિષ્ક ચૌહાણે અણનમ 43 અને એસ. અંબરિશે અણનમ 31 રન કર્યાં હતા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી કપ્તાન થોમસ રિયૂએ અણનમ 76 અને ઓપનર બેન ડોકિંસે 62 રનની ઈનિંગ્સ રમી હતી. ભારતના
કનિષ્ક ચૌહાણે 3 વિકેટ લીધી હતી.