ભુજ, તા. 3 : બે દિવસ પૂર્વે શહેરના યુવાનને
બાઇક પર બેસાડી અપહરણ કરી સંસ્કાર સ્કૂલ પાછળ લઇ જઇ પૈસાની માગણી કરી છરીથી હુમલો કરી
પાંચ હજારની લૂંટ ચલાવાયાની ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ આ કામના બન્ને આરોપીને એલસીબીએ
ઝડપી લીધા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ભીડનાકા બહાર દાદુપીર દરગાહ સામે રહેતા
અનસ ઉમર લુહારે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1/7ના સવારે આરોપીઓ સરફરાજ ઇબ્રાહીમ ત્રાયા તથા સલીમ ઉર્ફે ચલો
જુસબ મમણ (રહે. બંને ભુજ) ફરિયાદીનાં ઘરેથી બાઇકમાં પાછળ બેસાડી અપહરણ કરી લઇ ગયા બાદ
ગાળાગાળી કરી મને અત્યારે જ રૂપિયા દશ હજાર આપ નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી
હતી. રૂપિયાની ના પાડતાં માર માર્યો હતો. ફરિયાદી ભાગવા જતાં ફરિયાદીની છાતી ઉપર ચડી
માથાંમાં છરીના ઘા મારી ઇજા પહોંચાડી ફરિયાદી પાસેથી રૂા. 5000ની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવી
છે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન એલસીબીએ
બન્ને આરોપીને ઝડપી બી-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. બન્ને આરોપીનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો
છે.