ગાંધીધામ, તા. 3 : ભચાઉ તાલુકાના લાકડિયામાં આવેલી
મુંબઇગરાની જમીન પચાવી પાડવા ટોળકીએ તેમના ખોટા આધારો ઊભા કરી તેમાં ખોટા ફોટા ચોંટાડી
સાટાકરાર કરી એક વ્યક્તિને બારોબાર વેચી મારતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
હતી. મુંબઇ વેસ્ટ મલાડમાં રહેતા ફરિયાદી વિશનજી વીરજી છાડવા તેમના મોટા ભાઇ મગનભાઇ
તથા નાના ભાઇ શાંતિલાલભાઇ લાકડિયાની સીમમાં આશરે 150 એકર જમીન ધરાવે છે. આ જમીન વાવેતર કરવા તેમણે ગેલાભાઇ જીવા પરમારને
આપી છે. લાકડિયાના ઓસવાળ નવીન રીટા તથા મુકેશ મારાજના ખોટા આધારકાર્ડ બનાવી ખોટા આધારો
ઊભા કરી જમીન બારોબાર વેચવાનો બનાવ બન્યો હોવાથી ફરિયાદીએ વાવેતર કરનાર ગેલાભાઇને ધ્યાન
રાખવા જણાવ્યું હતું. દરમ્યાન વાવેતર કરનારા પાસે તેમના ઓળખિતાએ આ જમીન વેચાઇ ગઇ હોવાનો
સાટાકરાર મૂક્યો હતો. તેમણે ફરિયાદીને જાણ કરી હતી. ટોળકીએ ફરિયાદીના નાના ભાઇ શાંતિલાલ
જે શારીરિક રીતે સક્ષમ નથી તેમના નામનું ખોટું આધારકાર્ડ બનાવી તેમાં ખોટું સરનામું
નાખી બીજી વ્યક્તિના ફોટો ચોંટાડી પુરાવા ઊભા કર્યા હતા અને બાદમાં મુંબઇ ખાતે એ. કલામખાન
વકીલ પાસે નોટરી કરાવી રાજેશ ભગુભાઇને વેચી સાટાકરાર કરી સુથી પેટે રૂા. 11 લાખ મેળવ્યા હતા. ફરિયાદીએ
આ જમીન ખરીદનારા રાજેશભાઇનો સંપર્ક કરતાં લાકડિયાના રોહિતગિરિ પ્રભુગિરિ બાવાજી અને
સામખિયાળીના હાસમ બાબુ મીર નામના શખ્સોએ જમીન બતાવી હતી અને મુંબઇના પરેશ ગડા સાથે
મુલાકાત કરી અપાવી હતી. પરેશ ગડાએ શાંતિલાલ છાડવા ખોટું નામ ધારણ કરનાર વ્યક્તિને લઇને
આવ્યો હતો અને આ જમીન તેમને વેચી દેવામાં આવી હોવાની વાત કરી હતી. પોલીસે જમીનના આ
પ્રકરણ અંગે રોહિતગિરિ, હાસમ મીર,
પરેશ ગડા, શાંતિલાલ વિરજી છાડવાનું ખોટું નામ ધારણ
કરનાર તથા ખોટી ઓળખ આપનારા શખ્સો વિરુદ્ધ ગુનો દર્જ કરી આગળની તપાસ હાધ ધરી છે.