• શુક્રવાર, 04 જુલાઈ, 2025

રાષ્ટ્રીય મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં પંજાબ ચેમ્પિયન

ભુજ, તા. 3 : છેલ્લા છ દિવસથી કચ્છના રમત રસિયાને ઘેલું લગાડનારી 54મી હેન્ડબોલ રાષ્ટ્રીય સિનિયર મહિલા સ્પર્ધાની ફાઈનલમાં ગુજરાતને પરાજય આપીને પંજાબે ડંકો વગાડી દીધો હતો. દિલ્હી અને હરિયાણા સમાન રીતે ત્રીજા ક્રમાંકે રહ્યા હતા. સાંસદના હસ્તે મેડલ-ટ્રોફી એનાયત કરાયા હતા. હેન્ડબોલ સ્પર્ધાનો ખિતાબ આજે સવારે પંજાબે જીતી લેતાં ગુજરાતનું સપનું રોળાયું હતું. સમાપન સત્ર પ્રસંગે બોલતા સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં રમતગમતની શ્રેષ્ઠતા માટેનાં પ્રોત્સાહનથી ખેલાડીઓમાં જોમ-જુસ્સો વધ્યો છે. તેમનાં માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકની તૈયારી કરી રહ્યું છે. શ્રી ચાવડાએ 27 રાજ્યની ટીમોને ભાગ લેવા અને ગુજરાત-કચ્છનું આતિથ્ય સ્વીકારવા બદલ અભિનંદન આપ્યાં હતાં. આયોજક હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ એસોશિયેશન ગુજરાત અને કચ્છના એસોશિયેશન સાથે લેવા પટેલ સમાજે ખેલાડીઓને કચ્છ દર્શન કરાવ્યાં બદલ શાબાશી આપી હતી. સાંસદના હસ્તે વિજેતા પંજાબ, ઉપવિજેતા ગુજરાતની તમામ મહિલા ખેલાડી, કોચ, મેનેજર, આયોજકો, સહયોગી સૌનું મેડલ, ટ્રોફી, સાલ, સ્મૃતિચિહ્નથી વિશેષ સન્માન કર્યું હતું. પ્રતિભાવ આપતા જુદા જુદા રાજ્યની રમતવીર કન્યાઓએ આટલા ઉચ્ચ આયોજન બદલ ગુજરાતનો આભાર માન્યો હતો. આ પ્રસંગે આયોજનના પાયાની સંસ્થા તરીકે આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય, લેવા પટેલ કુમાર વિદ્યાધામના અનુક્રમે વસંત પટેલ, રામજી સેંઘાણી અને મનીષ પટેલને પ્રતીક અર્પણ કર્યું હતું. સ્પર્ધાના એમ્પાયર, કોચ, ગ્રાઉન્ડમેન, જીવંત પ્રસારકર્તા પવિત્રા લાઈવની નોંધ લેવાઈ હતી. શપથ સમારોહમાં કલેક્ટર આનંદ પટેલ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા સહિત તમામની નોંધ લેવાઈ હતી. - નારીશક્તિનો ઉત્સવ : ભુજ, તા.3 : છ દિવસીય સ્પર્ધામાં રાષ્ટ્ર અને ગુજરાતની નારીશક્તિ છવાઈ હતી. આયોજક સંસ્થાના ટ્રસ્ટી હંસાબેન હરસિયાણી, કસ્તુરબેન ગોરસિયા, મનીષાબેન પટેલ, અર્પિતાબેન વેકરિયા, લીલાબેન વેકરિયા, દક્ષાબેન પિંડોરિયા, સંગીતાબેન હિરાણી, પુષ્પાબેન મેપાણી, કસ્તુરબેન હિરાણીએ સમાજની બહેનો સાથે રહી 27 રાજ્યની દીકરીઓને વિવિધ રીતે પ્રોત્સાહન આપી વિદાય સમયે આંખ ભીની થાય તેવું આદર-સન્માન કર્યું હતું, તો મનદીપ કૌર, મહિલા પટેલ સહિત વિવિધ રાજ્યની તેજસ્વી મહિલા ખેલાડીઓએ નારીશક્તિના ઉત્સવના રૂપમાં કૌતવ બતાવ્યું હતું. સમગ્ર આયોજનના માર્ગદર્શક કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સાથે ત્રણેય પાંખના સર્વે ટ્રસ્ટીઓએ મજબૂત સંકલન કર્યું હતું. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, નાનજીભાઈ પિંડોરિયાએ સાંસદ સહિતના મહેમાનોનું વિશેષ સન્માન સમાજ વતી કર્યું હતું. આગામી સમયમાં સમાજ દ્વારા ટપકેશ્વરી રસ્તે હસુભાઈનાં સંકુલમાં વિવિધ મેદાનો સર્જવા સંકલ્પ કરાયો હતો. 

Panchang

dd