• શુક્રવાર, 04 જુલાઈ, 2025

રસીકરણને લીધે નથી થતા હૃદયરોગથી મૃત્યુ

ભારતના અગ્ર હરોળના સ્વાસ્થ્ય સંસ્થાનોએ કોરોના વાયરસ વિરોધી રસી સંદર્ભે ચાલી રહેલી અફવા અને ગેરમાન્યતાઓ દૂર કરી દીધી છે, તે રાહતના સમાચાર છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી થતાં મૃત્યુ માટે કોરોના વિરોધી રસી જવાબદાર છે તેવી ગેરમાન્યતા વ્યાપક પ્રમાણમાં છે. તબીબી વિજ્ઞાનની જાણકારી ન હોય તેવા લોકો તો આ ચર્ચા કરતા, પરંતુ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મુદ્દે સંશયાત્મક સવાલો કરતાં વાતની ગંભીરતા વધી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અન્ય એજન્સીઓએ આ મુદ્દે સંશોધનાત્મક અહેવાલો આપી દીધા છે. બધાનાં તારણ એ છે કે, હૃદયરોગના હુમલાને લીધે થતાં મૃત્યુ માટે રસીકરણ જવાબદાર નથી.  નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમોલોજી (એનઆઈઈ)એ 19 રાજ્ય, એક કેન્દ્રશાસિત પ્રદેશ તથા 47 ક્ષેત્રીય હોસ્પિટલોમાં અભ્યાસ કર્યો હતો. એઈમ્સ સહિતનાં સંસ્થાન તેમાં જોડાયાં છે. સૌના સંશોધનનો નિષ્કર્ષ એ છે કે, નાની વયે હૃદયની બીમારીને લીધે થતાં મૃત્યુ માટે હાર્ટ એટેક, માયો કાર્ડિયલ ઈનફેક્શન જવાબદાર છે, પરંતુ તેનું કારણ કોરોના વિરોધી રસી નથી. આધુનિક-બેઠાડુ જીવશૈલી, ખોરાકની આદતો, હૃદયની આનુવાંશિક બીમારી સહિતનાં કારણ હોઈ શકે. કેન્દ્ર સરકારે અને આ એજન્સીઓએ અગાઉ પણ આવી સ્પષ્ટતા કરી છે. નિજી ધોરણે ડોક્ટર્સ પણ આ કહી ચૂક્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોરોના વિરોધી વેક્સિન માટે શંકા વ્યક્ત કરી, નાની વયે થતાં મૃત્યુ માટે તે રસી જવાબદાર હોવાની શક્યતા જતાવી તેથી સરકારે આ મુદ્દે ફરી ગંભીરતા દર્શાવી છે. વાસ્તવમાં હવે તો આ ચર્ચામાંથી બહાર આવી જવાની જરૂર છે. કોરોના વિરોધી રસીની વિપરિત અસર થાય છે તેવી વાતોને લીધે જનમાનસમાં ડર ફેલાય છે. આવી ગંભીર અને ડોક્ટર્સ માટે પણ અકલ્પનીય કહેવાતી હતી તે મહામારી સમયે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારતની સરકારે વિવિધ વ્યવસ્થા કરી હતી. રસીકરણમાં નોંધપાત્ર કામ થયું. 16મી જાન્યુઆરી, 2021ના દિવસે રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. 9મી માર્ચ, 2023 સુધીમાં 2.2 બિલિયન લોકોને આપણા દેશમાં રસીકરણથી સુરક્ષિત કરાયા હતા. 12 વર્ષથી વધારે વયના 95 ટકાથી વધારે નાગરિકોને રસીનો એક ડોઝ અને 88 ટકા વસ્તીને ત્રણેય ડોઝ અપાઈ ચૂક્યા છે. 2021ની નવમી મે સુધીમાં તો ભારતે 95 દેશમાં રસી પહોંચાડી હતી. આટલાં વિરાટ અભિયાનને તે સમયે અમલી બનાવવું અઘરું હતું. હવે કોરોના વાયરસનું સ્વરૂપ પણ બદલાયું છે. જૂન માસમાં તેના કેસ દેખાયા, તેમાં પણ સદ્નસીબે ઘટાડો નોંધાયો છે, જ્યારે દેશની વિશ્વસનીય તબીબી સંસ્થાઓ એકાધિકવાર સ્પષ્ટતા કરી ચૂકી છે, ત્યારે હવે વારંવાર આ મુદ્દો આવવો જોઈએ નહીં, તેમાં પણ મુખ્યમંત્રી કે એવા જવાબદાર પદ ઉપર રહેલા લોકોએ તો કોઈ પણ નિવેદન કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ. મહામારી કે રસીકરણ જેવી બાબતોને રાજકીય વિચારથી દૂર રાખવી આવશ્યક છે. 

Panchang

dd