કેન્દ્રીય બજેટમાં કોઈ અસામાન્ય તત્ત્વ જોવા નથી મળ્યું તેવી
ફરિયાદ કે મહેણું દૂર થાય એ પ્રકારની જાહેરાત દેશના શહેરોને વિકસાવવા માટે કેન્દ્ર
સરકારે કરી છે. રૂા. 1 લાખ કરોડની ફાળવણીને કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણય
દેશના શહેરોમાં વિકાસને વધારે ગતિ આપશે. જે સંકલ્પના સાથે આ રકમ ફાળવવામાં આવી છે તે
પૂર્ણ થાય તો શહેરોમાં સુવિધાના ભંડાર ખૂલશે. જો કે,
કોઈ યોજના કે કામ શરૂ થાય તે પૂર્વે જ સત્તામંડળો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્ય સરકારે એ નક્કી કરવું પડશે કે મેગા પ્રોજેક્ટ,
ભવ્ય દેખાવવાળી યોજનાને બદલે પ્રાથમિક સુવિધા, માળખાંમાં જે કંઈ ખૂટતું હોય તેને પ્રાધાન્ય આપવું પડશે. શહેરી માળખાંને વધારે સારું બનાવવા માટે
કેન્દ્રીય કેબિનેટે અર્બન ચેલેજન્ડ ફંડ મંજૂર કર્યું છે. શહેરી વિકાસ પડકારની આ રાશિ
1 લાખ કરોડ છે, ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાંકીય સુવિધા,
પરિવહનના આધુનિક સાધનોથી લઈ ઘણી બાબતોનો તેમાં સમાવેશ છે. કેન્દ્ર સરકાર
25 ટકા રકમ આપશે, 50 ટકા બાહ્ય
- નિજી સ્રોતોમાંથી આવશે. 25 ટકા સ્થાનિક
તંત્ર કે સત્તાના રહેશે. સરકારને આશા છે, આગામી પાંચ વર્ષમાં ચાર લાખ કરોડનું રોકાણ આવશે. છેલ્લા દાયકામાં શહેરોમાં
વિકાસ નોંધપાત્ર રીતે થયો છે, તેને આગળ વધારવાના ભાગરૂપે જ આ
યોજના છે. અગાઉ કોંગ્રેસના સમયમાં એન.યુ.આર.એમ. જેવા પ્રકલ્પ થયા પણ તેમાં સાતત્યનો
અભાવ હતો. આ નવી ફાળવણી શહેરી વિસ્તારના સર્વાંગી વિકાસની કલ્પના સાથેની છે. આપણા મહાનગરો
આધુનિક સેતુ, વિવિધ રિંગરોડથી હવે ધમધમે છે. મુંબઈમાં અંડર વોટર
ટનલ અને સી લિંક ઈજનેરી કૌશલ્યના પુરાવા છે. તો રાજકોટ જામનગર જેવા મધ્યમ કક્ષાના શહેરોમાં
પણ આ સુવિધાઓ વિકસી રહી છે. મેટ્રો સહિતનાં પરિવહન માધ્યમો છે. હવે જ્યારે કેન્દ્ર
સરકાર આટલી મોટી રકમ સાથે આ વિકાસની યાત્રા આગળ વધારી રહી છે ત્યારે કેટલીક બાબતો ધ્યાને
રહેવી જોઈએ. એક તો એ કે જે હેતુથી સરકાર રકમ આપે તેના માટે જ ઉપયોગ થાય તે જોવું જ
જોઈએ. બીજું, હજુ આપણા શહેરોમાં જન શૌચાલય પૂરતા પ્રમાણમાં નથી.
ટ્રાફિક દિવસે દિવસે વધી રહ્યો છે, રસ્તાની ગીચતા વધારે છે. સામાન્ય
લાગતી આ વાતો અગત્યની છે. સ્માર્ટ સિટી નિર્માણ સામે આવેલા પડકાર અને રહેલી ક્ષતિ ધ્યાનમાં
રહેશે એવી આશા રાખી શકાય. મોટા પુલ કે આધુનિક સંકુલના નિર્માણ સામે કોઈ વાંધો હોય નહી
પણ પાયાની સુવિધા પૂર્ણ થયા પછી આ બધું હોય તો વિકાસનું સંતુલન જળવાય. ભારતના શહેરો
જે રીતે વિકસી રહ્યા છે તે જોતાં આ 1 લાખ કરોડની ફાળવણીનો નિર્ણય પથદર્શક છે. ફ્કત નાણાંથી કામ નહી
થાય. અધિકારીઓની નિષ્ઠા, પ્રજાલક્ષી
વલણ જરૂરી છે. સમયસર યોજનાઓ, કામ પૂર્ણ થાય તે જરૂરી છે. જો આ
દિશામાં યોગ્ય કામ થાય તો ભારતના શહેરો પણ પરદેશ જેવા આધુનિક, ભભકાવાળા દેખાવા લાગશે. આ બધાની સાથે જે અનિવાર્ય છે તે છે નાગરિક ધર્મ - સિવિક
સેન્સ. સુવિધાથી શોભતાં શહેરોમાં નિયમોનું પાલન, સ્વચ્છતા પણ
જરૂરી રહેશે અને આ યોજનાને સાકાર કરવામાં નાગરિકોનું યોગદાન એ રહેશે.