• રવિવાર, 16 જૂન, 2024

નાગરિક્તા એનાયત સાથે સીએએનો અમલ શરૂ

વિરોધપક્ષોના સતત નિશાને રહેલા નાગરિકતા સુધારા કાયદા (સીએએ)નાં હકારાત્મક પરિણામો આવવાં શરૂ થઇ ગયાં છે. કાયદા તળે નાગરિકતાના અધિકાર મંજૂર કરવાનો આરંભ આવકારદાયક ગણી શકાય તેવો છે. જે લોકો નાગરિકતા મેળવવાના હક્કદાર છે, તેમને દેશની મુખ્યધારામાં લાવવાનો સીએએનો મુખ્ય ઉદ્દેશ હવે મૂર્તિમંત થઇ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, સીએએને સંસદે પસાર કર્યો અને રાષ્ટ્રપતિએ તેને મંજૂરીની આખરી મહોર મારી ત્યારથી દેશમાં કાયદાની તરફેણ અને વિરોધમાં મતભેદો સામે આવતા રહ્યા છે. વિરોધપક્ષો અને અમુક સામાજિક સંગઠનો કાયદો ભેદભાવભર્યો અને અમાનવીય હોવાની દલીલ સાથે તેનો વિરોધ કરતા આવ્યા છે, તો બીજી તરફ કાયદાથી નાગરિકતા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે, એવી દલીલ સાથે તેની તરફેણ કરનારા મોટા વર્ગમાં તેના અમલની માંગ ઊઠતી રહી હતી. બધી અટકળો વચ્ચે બુધવારે કેન્દ્રના ગૃહમંત્રાલયે નવી દિલ્હીમાં 14 જણને નાગરિકતાનાં પ્રમાણપત્રો એનાયત કરીને સીએએની સત્તાવાર અમલવારીનો આરંભ કરી દીધો છે. કેન્દ્ર સરકારના પગલાંથી ભારતના નાગરિક બનવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલા લોકોની માટે રાહત અને આનંદની લાગણી જાગી છે.  14 જણને નાગરિકતાનાં પ્રમાણપત્ર હાથોહાથ સુપરત કરાયા છે, બાકીના સંખ્યાબંધને ઓનલાઇન મોકલાયા છે.આમ તો કાર્યવાહીને બહુ વહેલી હાથ ધરવાની જરૂરત હતી, પણ સીએએની સામે વિરોધને ધ્યાનમાં લઇને સરકારે કાયદાના અમલ માટેના નિયમો ભારે કાળજી સાથે તૈયાર કરવામાં સમય લીધો છે. વર્ષે નિયમ નક્કી થઇ ગયા બાદ હવે કાયદાનો અમલ શરૂ થઇ શક્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશમાં દમનથી ત્રસ્ત થઇને ભારતમાં હિજરત કરી આવેલાઓને કાયદા તળે હવે નાગરિકતાનો લાભ મળી શકે. હિજરતી પરિવારોને હવે ખરા અર્થમાં આનંદની લાગણી થશે. કાયદા અંગે તમામ ભારતીયોએ જાણકારી મેળવીને ભારતમાં ગેરકાયદે રહેતા, પણ નિયમ મુજબ નાગરિક્તા મેળવી શકે તેવાઓને હવે કાર્યવાહી હાથ ધરવાની પ્રેરણા આપવી જોઇએ. કાયદા તળે વખતે હિન્દુ, બૌધ, શીખ, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા મળી રહી છે. કાયદાના અમલ સામે સવાલ ઊભો કરનારા તેમાં મુસ્લિમોનો પણ સમાવેશ કરવાની અનિવાર્યતા વ્યક્ત કરી રહ્યા છે. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં મુસ્લિમોને પણ સીએએ હેઠળ નાગરિકતા મળે માટે આવનારા સમયમાં સરકાર માટે વિચારની બાબત બની રહેશે.આમ તો કાયદાને સાવ રદ્દ કરવાની માંગ હજી પણ ચાલી રહી છે. વિરોધપક્ષો લોકસભાની હાલની ચૂંટણીમાં બહુમતી મળે તો તેને રદ્દ કરવાનું વચન પણ આપે છે. જો કે, ભારે મુશ્કેલી અને વિચારણા બાદ અમલી બનેલા કાયદામાં રહેલી ઉણપો દૂર કરવા તેમાં સુધારા કરવા પર હવે ધ્યાન અપાયે તે જરૂરી છે. કાયદામાં સુધારો કરીને તેને વધુ ઉપયોગી બનાવાય સમયની માંગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang