• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

વિપક્ષી જોડાણ માટે ઉત્સાહ વધારનારી સમજૂતી

ભારતીય રાજકારણમાં રાજકીય પક્ષો વચ્ચે સગવડિયાં જોડાણની વાત નવી નથી. તાજેતરમાં સત્તાધારી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિરોધપક્ષોએ ઇન્ડિયાનાં નવતર નામે કરેલાં જોડાણે આરંભમાં ભારે આશા જગાવ્યા બાદ તેનું જોડાણનું બાળમરણ થઇ રહ્યાની અટકળો વચ્ચે વિરોધપક્ષો માટે થોડા સારા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં બેઠક સમજૂતી અંગે સંમતિ સાધી છે. એટલું નહીં, દિલ્હી, ગોવા અને ગુજરાત માટે પણ સમાધાનકારી ફોર્મ્યુલા સાથે બેઠક સમજૂતી નક્કી કરી છે. દિલ્હીમાં સરકાર ધરાવતી આમ આદમી પાર્ટી ચાર બેઠક પર લડશે અને કોંગ્રેસને ત્રણ બેઠક ફાળવી છે. હરિયાણાની 10 બેઠકમાંથી કોંગ્રેસ એક બેઠક `આપ'ને ફાળવવા સંમત થઇ છે. રીતે ગુજરાત 26માંથી બે સીટ `આપ'ને આપવાની ગણતરી છે. અલબત્ત, હજુ વાતચીત અને ચર્ચાને અવકાશ છે. એકંદરે વિપક્ષી એકતાને પ્રાણવાયુ મળ્યો છે. બિહારમાં તેજસ્વી યાદવ રાહુલની ન્યાય યાત્રામાં સામેલ થયા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ બેઠક સમજૂતી માટે તૈયારી બતાવી હોવાના હેવાલ છે. એક તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર જેવા ઈન્ડિયા જોડાણના મજબૂત સાથીદારે ભાજપની સાથે હાથ મિલાવી લેતાં વિરોધપક્ષોને આંચકો લાગ્યો હતો, પછી નવા સમીકરણ વિપક્ષી જોડાણ માટે ઉત્સાહ વધારનારા છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી સધાઇ જતાં ડૂબતાં જોડાણને તરણું મળ્યાનો તાલ થયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ અગાઉ જાહેર કર્યું હતું કે, તે કોંગેસને 11 બેઠક આપશે, તો કોંગ્રેસને વધુ બેઠકો જોઇતી હતી. હવે કોંગ્રેસને તેની પસંદગીની 17 બેઠક ફાળવવાની સંમતિ સધાઇ છે. આમે, રાજ્યની અમેઠી અને રાયબરેલી બેઠકો પર સમાજવાદી પાર્ટી કોંગ્રેસના ઉમેદવારની સામે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારતી નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કહ્યંy છે કે, તે રાજ્યમાં બેઠકોની ભાગીદારીના મામલે કોંગ્રેસની સામે બહુ જલ્દીથી જાહેરાત કરી શકે છે. સ્પષ્ટ છે કે, અન્ય રાજ્યોમાં પણ આવી સમજૂતી થવાની આશા વિરોધપક્ષોમાં ફરી જાગી ઊઠી છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ હજી ઇન્ડિયા જોડાણમાં છે. તેના તેજસ્વી યાદવે તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં સામેલ થઇને મિત્રતા યથાવત હોવાના સંકેત આપ્યા હતા. ઉત્તરપ્રદેશમાં સમજૂતી બાદ હવે ઇન્ડિયા જોડાણના રાજકીય પક્ષો જે બેઠક પર જે પક્ષની સ્થિતિ મજબૂત છે, ત્યાં તે પક્ષના ઉમેદવાર ચૂંટણી લડે એવી ફોર્મ્યુલા પર સક્રિય રીતે વિચારતા થયા હોવાનું કહેવાય છે. હવે તો કોંગ્રેસને પણ જોડાણના પક્ષોની સામે બેઠકોની ભાગીદારીનું મહત્ત્વ સમજાવા માંડયું હોવાના સંકેત મળી રહ્યા છે. વિપક્ષનાં જોડાણની સામે સૌથી મોટી તકલીફ છે કે, બેઠક સમજૂતી થઇ જાય તો પણ તેમના વચ્ચે સમાન વિચારધારા અને વ્યૂહરચનાનો અભાવ છે. માત્ર મોદીને પરાસ્ત કરવા અને સત્તા હાંસલ કરવી એવાં સ્વપ્નને સાકાર કરવા માટે વિરોધપક્ષોમાં એકસૂત્રતા, શક્તિ અને વિશ્વાસનો અભાવ સામે આવી રહ્યો છે. ભાજપનાં આક્રમક સંગઠન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરન્ટીની સામે વિપક્ષ હજી નાહિંમત અને વેરવિખેર જણાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang