અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ
શહેર વર્ષ 2036ની ઓલિમ્પિક રમતોનું યજમાન
બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં યોજાનારી આગામી 2036ની ઓલિમ્પિક ગેમ્સને અનુરૂપ
સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી છે.
રૂા. 6000 કરોડના બજેટ સાથે છ સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્સ બનાવશે. પેથાપુર, કરાઈ
પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવીમાં નવી સ્પોર્ટ્સ
સુવિધાઓ બનાવવામાં આવશે. એસજી હાઈવે ઉપર એક લાખ ચોરસ મીટરના વિસ્તારમાં મેગા સ્પોર્ટ્સ
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન થયું છે, જે આંબલી, ઘુમા, જોધપુર, શેલા અને વેજલપુર
જેવા વિસ્તારોને જોડશે. અમદાવાદની આસપાસના પાંચ નાનાં શહેર (કલોલ, સાણંદ, દહેગામ, બારેજા,
મહેમદાવાદ)ને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની યોજના છે, જે ઓલિમ્પિકની તૈયારીઓને વેગ આપશે. જેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ઓલિમ્પિકની
80 ટકાથી વધુ રમતો યોજાવા માટે
સક્ષમ બનશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રાજ્યના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ
મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યું છે. રાજ્યમાં હાલમાં રાજ્યમાં જિલ્લા કક્ષાના
24 અને તાલુકા કક્ષાના છ મળીને
કુલ 30 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત
કરાયાં છે. રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ
હોસ્ટેલમાં 4000 જેટલા ખેલાડીને નિવાસ સાથે
તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આગામી સમયમાં જિલ્લા
કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 18 મળીને કુલ 31 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમ બનાવશે. ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને
પહેલી ઓક્ટોબર-2024ના ઔપચારિક રીતે લેટર ઓફ ઇન્ટેન્ટ
મોકલીને ઓલિમ્પિક 2036ની યજમાની
માટે દાવેદારી નોંધાવી હતી. `ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત'ના મંત્ર
સાથે ગુજરાત સરકારે રમતગમતના વિકાસ માટે મજબૂત નીતિઓ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું
નિર્માણ કર્યું છે.