વોશિંગ્ટન/તેલઅવીવ, તા. 22 : ઈઝરાયલ અને
ઈરાનના યુદ્ધમાં ઝંપલાવીને અમેરિકાએ ઓપરેશન મીડનાઇટ હેમર અંતર્ગત આજે વહેલી સવારે પૂર્વ
ઈરાનના ફોર્ડો ઈસ્ફહાન અને નતાંઝ પરમાણુ સ્થળો પર બી-ટુ સ્પિરિટ સ્ટિલ્થ બોમ્બર્સ બંકર
બસ્ટર બોમ્બ તથા અન્ય મિસાઈલ અને 125 યુદ્ધવિમાનો સાથે હવાઈ હુમલા કરતાં વિશ્વભરમાં તનાવ ફેલાયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણેય મથક સંપૂર્ણ નષ્ટ થયાનો દાવો કર્યો છે.
તો ઈરાને આ સ્થળોને કોઈ નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે અને અમેરિકાને `ખતરનાક પરિણામો' માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. અમેરિકાએ 25 મિનિટમાં 14,000 કિલોના 12 શક્તિશાળી બોમ્બ વડે હુમલો
કર્યો હતો. યુ.એસ.ના હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને ખૈબર સહિતની મિસાઈલો વડે તેલઅવીવ, હાઈફા, બેન ગુરિયન હવાઈ
મથક સહિતના દસેક શહેર અને ચાર અન્ય સ્થળો પર ઘાતક ખૈબર શેકન બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલા
કરી ભારે નુકસાન પહોંચાડયું હતું જેમાં કમસે કમ 90 જણ ઘવાયા હોવાના અહેવાલ છે.
ઈઝરાયલે પણ વળતા પ્રહાર કર્યા હતા. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતીકાલે રશિયાના
પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવાના છે, એ પૂર્વે રૂસના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે સનસનીખેજ દાવો કર્યો હતો
કે અનેક દેશ ઈરાનને અણુશત્રો આપવા માટે તૈયાર છે. રશિયા ઈરાનના પક્ષે યુદ્ધમાં ઝુકાવે
તેવી શક્યતાઓને પગલે વિશ્વયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીને અમેરિકાના હુમલાની
આલોચના કરી હતી. યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હવે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની
ભીતિ છે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે ફોર્ડો અણુ મથકની સુરંગને હુમલાથી નુકસાન
પહોંચ્યું છે. ઈઝરાયલનાં પીએમ બેન્જામીન નેતન્યાહુએ ટ્રમ્પના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને
ઈરાન ઉપર ત્રાટકવા બદલ આભાર માન્યો હતો. અમેરિકાનાં આ સાહસિક પગલાં સાથે જ દુનિયાના
જીવ અદ્ધર થઈ ગયા છે. હવે આખા વિશ્વની નજર ચીન અને રશિયા ઉપર ટકી ગઈ છે. બન્ને દેશ
અમેરિકા વિરુદ્ધ ઈરાનનાં સમર્થનમાં છે એ સર્વવિદિત છે. ઈરાને અમેરિકાનાં આ હુમલા બાદ
રશિયા પાસે મદદ પણ માગી હોવાનું કહેવાય છે.