• સોમવાર, 23 જૂન, 2025

નખત્રાણા તા.માં ઝરમરિયા માહોલ વચ્ચે લોકોત્સવ

નખત્રાણા, તા. 22 : તાલુકાની સ્વરાજ્યની ચૂંટણી તથા પેટાચૂંટણીમાં  સરેરાશ 72.97 ટકા શાંતિમય મતદાન થયું હતું. સામાન્ય 10 ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખીરસરા (રોહા), નારાણપર, મોસુણા, ડાડોર ગ્રામ પંચાયત બિનહરીફ થઇ હતી, જ્યારે  આજે સૌથી મોટી વિથોણ, સુખપર (રોહા), વિભાપર, સાંયરા (યક્ષ), કાદિયા મોટા, કાદિયા નાના, વિભાપર સહિત સાત ગામોની સામાન્ય ગ્રા.પં.ની ચૂંટણીમાં  સરેરાશ 72.97 ટકા મતદાન થયું હતું. અમારા પ્રતિનિધિ છગનભાઇ ઠક્કરના હેવાલ પ્રમાણે ધાબડિયા વરસાદી માહોલમાં ઝરમર છાંટા વચ્ચે લોકોએ લોકશાહીના  પર્વમાં  ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સુખપર (રોહા)માં સાંસદ વિનોદભાઇ ચાવડાએ મતદાન કર્યું હતું. વિથોણ ગામના સરપંચપદ માટે ભારે રસાકસી વચ્ચે 3 ઉમેદવારોની સ્પર્ધામાં  55.48 ટકા મતદાન થયું હતું. અનુજાતિ મહિલા અનામતની ચૂંટણીમાં ત્રણ મહિલાઓ  વચ્ચે ગામના કોણ મહિલા સુકાની થશે તે 25મી જૂનના મતગણતરીના દિવસે જાણવા મળશે. સવારે મતદાન શરૂ થયાની સાથે ખાસ કરીને પ્રત્યેક મતદાન બૂથ ઉપર મહિલાઓની સંખ્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. સાંયરામાં  મતદાતાઓમાં ભારે ઉત્સાહથી મતદાનમાં લાઇનો લાગી હતી. સુખપર (રોહા)માં વરસાદી માહોલમાં ઝરમર વરસાદ વચ્ચે મતદાતાઓએ મોટી સંખ્યામાં સવારથી લાઇન લગાવી હતી. વંગ, ડાડોર, વિભાપર, કાદિયા મોટા, કાદિયા નાનામાં પણ મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તાલુકામાં ચૂંટાણી યોજાઈ હતી તેવા ગામોમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નખત્રાણા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એમ. મકવાણાએ  શાંતિમય રીતે મતદાન થયું હતું, કોઇપણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો નથી એમ જણાવ્યું હતું. વિથોણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં  નીરસ કહી શકાય તેવું 55 ટકા મતદાન થયું હતું. સરપંચપદ માટે અનુસૂચિત જાતિના ત્રણ મહિલા ઉમેદવારોનું ભાવિ પેટીમાં  શીલ થયું હતું. મતદારોમાં  નિરુત્સાહ જોવા મળ્યો હતો. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યેથી  મતદાનનો પ્રારંભ થયો હતો જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. 10 વોર્ડમાં  કુલ 4485 મતદારો છે, જેમાં 2502 મતદારોએ  મતદાન કર્યું હતું. સવારમાં  થોડી લાઇનો જોવા મળી હતી, પરંતુ પછી મતદાનમાં સુસ્તી આવી હતી. બીજી બાજુ સાંયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ માટે બે પાટીદારો દાવેદાર હોવાથી ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયતમાં મોરગર, યક્ષ અને સાંયરા ગામનો સમાવેશ થાય છે. સાંયરા પંચાયતમાં  ભૂતપૂર્વ સરપંચ અને નવોદિત ઉમેદવાર વચ્ચે રસાકસીનો મુકાબલો છે. સાંયરા જૂથ પંચાયત માટે ટોટલ 2132 મતદારો છે, જેમાં  1647 મતો પડયા છે. ટોટલ 75.16 ટકા જબ્બર મતદાન થયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd