• સોમવાર, 23 જૂન, 2025

મુંદરા તાલુકાની પંચાયતોમાં 84 ટકા મતદાન

મુંદરા, તા. 22 : આજે ગામના સુકાની ચૂંટવા માટેની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત ચૂંટણીનાં મતદાનના દિવસે ખાસ કરીને મુંદરા તાલુકામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જો કે, મતદારોએ સવારથી જ ઉત્સાહભેર કતારો લગાવીને મતદાન કર્યું હતું અને ગામોમાં ઝરમરિયા તેમજ ઝાપટાં છતાં લોકશાહીના પર્વની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ખાસ કરીને મંગરા, ગુંદાલા, ભોરારા, ભદ્રેશ્વર, શેખડિયામાં વરસાદ છતાં મતદારોએ લોકશાહીની પવિત્ર ફરજ ન ચૂકીને લાંબી લાઈનો લગાવી હતી. સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે મુંદરા તાલુકામાં શાંતિપૂર્ણ રીતે સામાન્ય ચૂંટણી અંતર્ગત 21 ગ્રામ પંચાયતમાં 84 ટકા અને બે ગામની પેટા ચૂંટણી અંતર્ગત સરેરાશ અંદાજે 82 ટકા મતદાન નોંધાયું હતું . રાત્રે નવ વાગ્યાની સ્થિતિ મુજબ સત્તાવાર રીતે મળેલા અંદાજિત આંકડા પ્રમાણે મુંદરા તાલુકાની 21 ગ્રામ પંચાયતમાં થયેલી સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 28,579 મતદારમાંથી 23,889 મતદારે મતદાન કરતા 83.59 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે કારાઘોઘા અને નાના કપાયાની બે પેટા ચૂંટણીમાં કુલ નોંધાયેલા 1249 મતદાર પૈકી 1,023 મતદારે મત પ્રયોગ કરતા 81.91 ટકા મતદાન નોંધાયું હતું. દરમ્યાન, શેખડિયા, મંગરા, બરાયા ગામોની પંચાયતો અલગ થયા બાદ પ્રથમવાર મતદાન થયું હતું, ત્યારે ગામ લોકોમાં વિકાસનાં કામો સહિત અનેક અપેક્ષાઓ માધ્યમો સમક્ષ વ્યક્ત થઇ હતી. આ પહેલાંના અહેવાલ મુજબ સાડાઉ અને મંગરામાં ધીમા મતદાનની ફરિયાદ ઉઠી હતી. સાડાઉથી મુંદરા તાલુકા પંચાયત વિપક્ષી નેતા નવીન ફફલે જણાવ્યું હતું કે, મતદાનની ગતિ એકદમ ધીમી છે અને બપોરે મોડે સુધીમાં માત્ર 45 ટકા મતદાન નોંધાયું છે. અનેક લોકો નિરાશ થઈને પાછા જવાના પણ દાખલા બની રહ્યા છે. ગુંદાલાથી અજય ઠક્કરે જણાવ્યું કે, લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. આમ છતાં મતદાન ઉપર કોઈ અસર પડી નહીં અને લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ટુંડાથી ગૌરીશંકર કેશવાણીએ જણાવ્યું હતું કે, ટુંડા ગ્રામ પંચાયત સરપંચની ચુંટણીમાં કુલ 679 મતદાન એટલે કે 79 ટકા મતદાન થયું હતું. સવારથી છ વાગ્યા સુધી મતદારોનો ધસારો રહ્યો હતો. સરપંચ પદ માટે ત્રિપાંખિયો જંગ હતો. રતાડિયાથી પ્રકાશ ઠક્કરે જણાવ્યું કે, ભારે વરસાદી માહોલ વચ્ચે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5ાંચ વાગ્યા સુધીમાં લગભગ 70 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયામાં 100 વર્ષીય વૃદ્ધ મહિલા પાલીબેન શકુર રબારીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પહેલાં બપોરે મળતા અહેવાલો મુજબ સાડાઉમાં બપોર સુધીમાં 55 ટકા, શેખડિયામાં 70 ટકા, ભદ્રેશ્વરમાં 50 ટકા, કુંદરોડીમાં 40 ટકા , રતાડિયામાં 50 ટકા, મંગરામાં 50 ટકા અને ગુંદાલામાં 40 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd