ગાંધીધામ, તા. 22 : રવિવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે સવારથી સાંજ સુધીમાં એક ઇંચ પાણી પડતા વાતાવરણ ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. રાત્રિના 8:30 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બે કલાક દરમિયાન સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આખા દિવસમાં ચાર ઈંચ પાણી પડયું હતું. જોડીયાં શહેરોમાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સવારના અરસામાં શહેરની મુખ્ય બજારમાં વરસાદી નાળાંમાં કાર ફસાઇ હતી જે લોકોએ ભારે મહેનત પછી બહાર કાઢી હતી. સવારના સાત વાગ્યાથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને બપોર સુધીમાં લગભગ નવ એમએમ પાણી પડયું હતું. બપોર બાદ અને સાંજના સમયે ફરી વરસાદ શરૂ થયો હતો અને આઠ વાગ્યા સુધીમાં 21 એમએમ વરસાદ નોંધાયો હતો. રાત્રિના બે કલાકમાં સવા બે એમએમ વરસાદ પડયો હતો. આ સાથે સિઝનનો કુલ 202 એમએમ વરસાદ મામલતદાર કચેરીમાં નોંધાયો છે. આ લખાય છે ત્યાં સુધીમાં ધોધમાર વરસાદ જારી હતો. ગાંધીધામ સંકુલમાં સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડયા બાદ રાત્રિના લગભગ સાડા આઠ વાગ્યાના વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના ભારતનગર, સુંદરપુરી, મહેશ્વરીનગર, સાઉથ, નોર્થ, સેક્ટર સહિતના મોટાભાગના વિસ્તારોમાં રોડ જળમગ્ન બન્યા હતા. રાત્રિના સમયે સ્થિતિ વધુ ગંભીર બની હતી. લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને માર્ગો જળબંબાકાર થતા વાહનચાલકોને મહા મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પીડાઓ વેઠવી પડી હતી. લોકો રજૂઆતો કરીને થાકી ગયા છે પણ સમસ્યાઓનું સમાધાન આવતું નથી. મંગળવારે પડેલા વરસાદમાં પણ જોડિયાં શહેરોના નાગરિકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને રવિવારે રાત્રિના ફરીથી ગાંધીધામ સંકુલમાં અનાધાર વરસાદ પડવાનો શરૂ થતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં ગાંધીધામ સંકુલમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ હતો. મંગળવારે પડેલા વરસાદના પાણીનો હજુ નિકાલ થયો નથી તેવામાં રવિવારે રાત્રિના ફરી અનાધાર વરસાદ પડતાં સ્થિતિ વિકટ બની છે. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે માર્ગો ઉપરથી પાણીનો નિકાલ થતો નથી તેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આજે પણ આ સ્થિતિ થઈ છે રવિવારે સવારથી સાંજ સુધી ધીમીધારે પડેલા વરસાદમાં રજાના દિવસે લોકો પોતાનાં વાહનો લઈને વરસાદની મજા માણવા નીકળી પડયા હતા. રાબેતા મુજબ ભડાકા સાથે આવેલા વરસાદથી વીજળી રાણીએ રૂંસણા લીધા હતા. એકાદ કલાક બાદ વીજ પુરવઠો પૂર્વરત કરાયો હતો. - કાટમાળ ન હટાવતા રોડનું પાણી રહેણાકમાં ઘૂસ્યું : ગાંધીધામ, તા. 22 : શહેરના સુંદરપુરી પાણીના ટાંકાથી રામબાગ જતા રોડ ઉપર દબાણ હટાવ્યા પછી મલબો દૂર કરવામાં ન આવતાં જે પાણી રોડ ઉપરથી વરસાદી નાળાંમાં જતું હતું, તેમાં મલબો અવરોધરૂપ બનતા પાણી સુંદરપુરીના રહેણાક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે અને રાતવાસો કરવાની ફરજ પડી હતી. પાણીના ટાંકા પાસે નાળાં સફાઈ કર્યા પછી મલબો ત્યાં ને ત્યાં છોડી દેવામાં આવતા રાત્રિના વરસાદ દરમિયાન તે કચરો ફરી વરસાદી નાળાંમાં પડયો હતો. લેખિત રજૂઆતો પછી પણ રોડ ઉપરથી મલબો દૂર કરવામાં ન આવતા સુંદરપુરીમાં સ્થિતિ ગંભીર બની છે.