• સોમવાર, 23 જૂન, 2025

કેરામાં એસએમસી ત્રાટકી : 1.28 કરોડનો શરાબ પકડયો

ભુજ, તા. 22 : અગાઉ જેની સામે દારૂ સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા સહિતની કાર્યવાહી થઈ ચૂકી છે તેવા કેરાના કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડનો શરાબનો મોટો જથ્થા કેરામાં અડધી રાતે કટિંગ થતો હતો, ત્યારે જ રાજ્યસ્તરની પોલીસ ત્રાટકી હતી અને રૂા. 1.28 કરોડના શરાબના જથ્થા તેમજ ત્રણ વાહન, પાંચ મોબાઈલ સહિત કુલ રૂા. 1.70 કરોડના મુદ્દામાલ સાથે વાહનચાલકો, મજૂરો એવા 16 આરોપીને ઝડપી સપાટો બોલાવાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના કચ્છમાં શરાબના આ મોટામાં મોટા દરોડાના પગલે હવે સ્થાનિક પોલીસ પર કેવાંક પગલાં લેવાય છે, તેના પર મીટ મંડાઈ છે, જ્યારે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર અનોપસિંહ સહિત છ આરોપી દરોડા દરમ્યાન હાજર ન મળતાં ફરાર જાહેર કરી તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કરાયાં છે.  એસએમસીના કચ્છ જિલ્લાના અત્યાર સુધીના સૌથી મોટા આ દરોડા અંગે માનકૂવા પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ખાનગી બાતમી મળતાં ગઈકાલે અડધી રાતે કેરાના જડેશ્વર મંદિર નજીક અવાવરુ જમીનમાં શરાબનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ ત્રાટકી હતી. રાજસ્થાનથી સિમેન્ટના ટેન્કર નં. આરજે-11-બીજે-2369માં શરાબનો જથ્થો ભરીને અહીં આવ્યા બાદ ટાટા મિની ટ્રક નં. જીજે-12-એવાય-1869 અને બોલેરો પીકઅપ નં. જીજે-12-સીટી-5120માં ઠલવાઈ રહ્યો હતો, ત્યારે જ એસએમસીએ દરોડો પાડી મિની ટ્રકમાં શરાબ ભરવા આવેલા શિવરાજ વિરમભાઈ ગરવા (રહે. આદિપુર) અને બોલેરોમાં ભરવા આવેલા ગોપાલસિંહ બનેસંગ વાઘેલા (રહે. કેરા) અને ટેન્કરમાંથી શરાબ ખાલી કરાવનાર ગોપાલ કેશાજી રાજગોર (રહે. નવાનગર પાનધ્રો) તથા આ શરાબને ખાલી કરાવવા મદદ કરતા એવા શ્રમજીવીઓ જેઓ મૂળ ઉત્તરપ્રદેશ, આસમ અને મેઘાલય બાજુના અને હાલે કેરાના આશાપુરા રેસ્ટોરેન્ટમાં રહેતા શૈલેષ રામનારાયણ શર્મા, તાપસ પવિતદાસ, પુષ્પલાલ પ્રેમ  શર્મા, કિશાનપાલ સુસંતપાલ પાલ, મનકિંગ ઓડન, સેંગજીમ સ્પીલસન, બીકીહારીજન રાજુ, સુનીલ સંગમા, ઓંગોન્ગ મારાક, અસન મારાક ઓંગોન્ગ મારક, એનીયંગ સંગમા પીસ મારાક, વલ્કન સંગમા મિસોન મારક, રફલ સંગમા પીરીગોમ મારક અને અંકિત અરવિંદ સરાઠે નાઈને શરાબની અલગ-અલગ બ્રાન્ડની બોટલ તથા બીયર નંગ 19548 જેની કિં.રૂા. 1,28,03,808 તથા ટેન્કર કિં. રૂા. 25,00,000, બોલેરો પીકઅપ કિં. રૂા. 3,00,000 તથા મિની ટ્રક કિં.રૂા. 10,00,000 તેમજ પાંચ મોબાઈલ કિં.રૂા. 25,000 એમ કુલ રૂા. 1,70,28,808નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ બનાવના મુખ્ય સૂત્રધાર અનોપસિંહ અભેસિંહ રાઠોડ (રહે. કેરા) તથા માલ મોકલનાર અને ટેન્કરનો ચાલક અને માલિક ઉપરાંત મિની ટ્રક અને બોલેરોના માલિકને ફરાર જાહેર કરી તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કરાયાં છે. - આ મોટા દરોડા બાદ સ્થાનિક પોલીસ પર લટકતી તલવાર : સ્થાનિક પોલીસની નિક્રિયતા વચ્ચે છેલ્લા બે માસ દરમ્યાન જ પશ્ચિમ કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ ઉપરાછાપરી ગણનાપાત્ર શરાબ અને ક્રિકેટ સટ્ટાના દરોડા પાડી સ્થાનીય પોલીસ અને વિવિધ શાખાની પોલ પાધરી કરી દીધાનું ચિત્ર ઊપસ્યું છે. સામાન્ય રીતે એસએમસીના સફળ દરોડા બાદ જે-તે પોલીસને જવાબદાર ઠેરવી પગલાં લેવાતાં હોય છે. 23 મેના ત્રગડીમાં દરોડો પાડી 83.78 લાખનો શરાબ ઝડપતાં માંડવી મરીનના પી.આઈ. અને બીટ જમાદાર હે.કો.ને નિષ્કાળજી બદલ ફરજમોકૂફ કરાયા હતા. આ બાદ 28 મેના ક્રિકેટ સટ્ટાના મોટા ગજાના બુકીને ઝડપી બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે જ્યારે કેરામાં કચ્છમાં સૌથી મોટો દારૂનો દરોડા એસએમસીએ પાડયો છે ત્યારે સ્થાનિક પોલીસ સામે કેવા કડક પગલાં લેવાય છે તેના પર મીટ મંડાઈ છે. - અનેક આવ્યા, અનેક ગયા, પણ અનોપસિંહનો ધંધો અણનમ : સમૃદ્ધ એવી ભુજ તાલુકાની પટેલ ચોવીસીના મુખ્ય કહી શકાય તેવાં કેરા ગામે અંગ્રેજી પ્રકારના દારૂનો હબ બનાવવામાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડની અહમ ભૂમિકા રહી છે, તો કેરામાં ગજોડ રોડ ઉપર આવેલો તેનો દારૂનો અડ્ડો નાના-મોટા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ  આવ્યા અને ગયા છતાં પણ તે જ અદામાં અડીખમ રહ્યો છે. દારૂના આ નામચીન ધંધાર્થી ઉપર અત્યાર સુધી નાના-મોટા અનેક દરોડા પડી ચૂકયા છે, તો આ ધંધાર્થી સામે પાસા સહિતના આકરાં પગલાં પણ ભૂતકાળમાં લેવાયા છે. આમ છતાં તેની પ્રવૃત્તિમાં કોઈ જ ફરક નથી પડયો જેની સાબિત આજના એસએમસીના દરોડા પરથી પડી છે. હદ તો એ વાતની છે કે, ભૂતકાળમાં અનોપસિંહ કાયદાની જ્યુડિશીયલ કસ્ટડીમાં હોય અને તેનો માલ પકડાયો હોય તેવી ઘટના પણ બની ચૂકી છે. જે તેની વગ અને વ્યાપનો અણસાર આપી જાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd