• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

માવઠાંની માર વચ્ચે ખેડૂતોનો દિવેલા પર મદાર

વિથોણ (તા. નખત્રાણા), તા. 6 : નખત્રાણા પંથકમાં માવઠાંને કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડયું છે. કપાસ અને દાડમના પાકને પ્રમાણમાં વધુ નુકસાન થયું છે, પરંતુ માવઠું આઠ માસી પ્રધાન પાક દિવેલા માટે વરદાન સાબિત થયું છે. દિવેલાને પાલર પાણીનો ડોઝ મળવાથી ચમક આવી છે. વાવાઝોડાં અને માવઠાંથી થયેલ નુકસાનીનું વળતર દિવેલામાં મળશે તેવી ખેડૂતોને આશા જાગી છે. રવી પેદાશોના વાવેતર સમયે ખેડૂતોને ડી.એ.પી. ખાતર મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ખરીફ પેદાશના ઘઉં અને રાયડાની ઉગતી ફસલો માટે ડી.એ.પી. ખાતર ખૂબ જ જરૂરી હોય છે. ખેડૂતો ડી.એ.પી.ને પોષણ આપતું ખાતર કહે છે. અત્યારે ઘઉં અને રાયડા માટે વાતાવરણ અનુકૂળ છે, પરંતુ પાયાના ખાતરની ખૂબ જ જરૂર હોય છે. ખરા ટાંકણે ખાતરની તંગી  વર્તાય છે, તેવી રાવ ખેડૂતોએ કરી છે. 10 ડિગ્રી ઠંડીના ચમકારાએ રવી પેદાશોમાં રોનક લાવી દીધી છે. ઠંડીને કારણે પ્રધાન પાક દિવેલામાં રોનક આવી છે અને તાપમાન ઘટવાથી રવી ફસલોમાં ચમક આવી છે. ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. શાકભાજીના ભાવ અત્યારે 20થી 25 રૂા. પ્રતિ કિલો સુધી નીચે આવી ગયા છે. આ વર્ષે પંથકમાં દિવેલાનું પુષ્કળ વાવેતર થયું હોવાથી વાડીઓએ હરિયાળી ચાદર ઓઢી હોય તેવાં દૃશ્યો જોવાં મળે છે. દિવેલાની ફસલ વાડીની શોભામાં વધારો કરે છે અને દાડમ વાડીઓના આવરણો હોય તેવું દેખાય છે. નખત્રાણા પંથકની વાડીઓમાં દાડમ, દિવેલા, ઘઉં, રાયડો, ધાણા, ઇસબગુલ જેવી રવી પેદાશો જોવા મળે છે. નખત્રાણા પંથકમાં ખેતીવાડીમાં રોકડિયા પાકનું પ્રમાણમાં વધુ વાવેતર થયું છે. ફળોની પણ ભરમાર છે. તાઇવાન પપૈયા, ગદર જામફળ, એપલ બોર, ચીકુ-સીતાફળ જેવા ઔષધિ ગુણ ધરાવતાં ફળો જોવાં મળે છે. ખેડૂતો હવે ખેતીમાં આધુનિકતા લાવવા નવા પ્રયોગો કરી રહ્યા છે, જેમાં સફળ થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang