• શનિવાર, 22 નવેમ્બર, 2025

બાંગલાદેશમાં ભૂકંપ ; છનાં મોત

ઢાકા, તા. 21 : બાંગલાદેશમાં શુક્રવારે સવારે 10 અને આઠ મિનિટે 5.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રૂજી ઊઠતાં ભારે અફરાતફરી મચી જવા સાથે છ લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો 200થી વધુ ઘાયલ થયા હતા. છેક કોલકાતા સુધી આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નરસિંગડીનાં માધબડીમાં ઢાકાથી માત્ર 25 કિ.મી. દૂર હતું. એક 10 માળની ઈમારત આખી એક તરફ નમી પડી હતી. ભૂકંપના ભીષણ અવાજથી ભારે ભય સાથે ભાગદોડ મચી હતી. બાંગલાદેશ અને  આયર્લેન્ડની મેચ થોડી વાર માટે રોકી દેવાઈ હતી. ભયાનક ભૂકંપમાં જીવ ખોનારા લોકોમાં એક 10 મહિનાની બાળકી પણ સામેલ છે. ગાજીપુરના શ્રીપુરમાં ડેનિમેક નામની કપડાંની ફેક્ટરીમાં ભય સાથે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 150થી વધુ મજૂર ઘાયલ થયા હતા. મજૂરોએ ફરિયાદ કરી હતી કે, અધિકારીઓએ કારખાનાનું મુખ્ય દ્વાર ખોલવાની ના પાડી દેતાં દહેશત ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, ભારતની અંદર બંગાળની રાજધાની કોલકાતામાં પણ સવારે 10  અને 20 મિનિટે 20 સેકંડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બાંગલાદેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ 1762માં આવ્યો હતો, જેની તીવ્રતા 8.5ની હતી. તે વખતે 6થી 15 મીટર ઊંચી સુનામીથી મડગાંવ શહેર તબાહ થઈ ગયું હતું. 

Panchang

dd