ગાંધીધામ, તા. 21 : કંડલા ખારીરોહરમાં ભૂકંપના કારણે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન
લિમિટેડમાં ડીઝલ લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ અહેવાલ મળતાની સાથે અગ્નિશમન
દળ સહિતની ટીમ બનાવ સ્થળે ધસી ગઈ હતી. વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી વિશેષ મોકડ્રિલનું
આયોજન કરવામાં આવ્યુ હતું. આ મોકડ્રિલ મુજબ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સુરક્ષા ટીમ દ્વારા ભયંકર આગ માટે ઈમરજન્સી કોલ
જાહેર કરાયો હતો. તમામ ફાયર સિસ્ટમ કાર્યરત કરાયા બાદ પણ આગ કાબૂમાં ન આવતાં વહીવટીતંત્રની
મદદ લેવાઈ હતી. કંડલા પોર્ટ અને ઈફકોની અગ્નિશમન દળની ટીમ તાબડતોબ બચાવ કામગીરીમાં
જોડાઈ હતી. ગણતરીની મિનિટોમાં અગ્નિશમન દળની ટીમ દ્વારા આ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવ અંગે નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમે તાત્કાલિક સાયરનની મદદથી લોકોને
સાવચેતી અંગે માહિતગાર કર્યા હતા. આ મોકડ્રિલ દરમ્યાન બચાવ કામગીરી સહિતની બાબતોનો
સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ પણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત
કરવા માટે રાજ્યકક્ષાની ઓઈલ અને કેમિકલ મોક
એક્સસાઈઝ તથા ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયુ હતું. આ માટે
વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન
કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કંડલામાં એઝીસ વોપેક ટર્મિનલનાં યુનિટ ખાતે એલપીજી લીકેજના
કારણે આગ લાગવાનાં દૃશ્ય સાથે વધુ એક મોકડ્રિલ યોજાઈ હતી. મોકડ્રિલનું જનરલ સુપરવિઝન
અને અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીએ જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયને
બિરદાવીને સમગ્ર ટીમને બિરદાવી હતી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી આર. એચ.
સોલંકીએ મોકડ્રિલને સફળ બનાવી સરકારની માર્ગદર્શિકા
પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.