ભુજ, તા. 21 : કચ્છની વીરભૂમિ અને કચ્છી લોકો
અદમ્ય સાહસનું પ્રતીક છે તેવું બીએસએફની હીરક જયંતીના અવસરે ભુજમાં સીમા સુરક્ષા દળની
176 બટાલિયન ખાતે યોજાયેલા સમારોહમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ઓવારણાં લેતાં જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યું
હતું કે, કચ્છની આ બહાદુર ભૂમિ અદમ્ય હિંમતનું પ્રતીક
રહી છે. સદીઓથી પ્રતિકૂળ હવામાન અને પરિસ્થિતિઓ છતાં કચ્છના લોકોએ તેમની લડાયક ભાવનાથી
આ પ્રદેશને સંવાર્યો છે અને તેને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડયો છે. વધુમાં ગૃહમંત્રીએ
જણાવ્યું હતું કે, કચ્છના લોકોએ 1970ના દાયકાથી દરેક હુમલાનો સૌથી
મજબૂત પ્રતિકાર કર્યો છે. અનેક યુદ્ધોમાં સેના અને બીએસએફ સાથે ખભેખભા મિલાવીને અભૂતપૂર્વ
ભૂમિકા ભજવી છે. આ તકે તેમણે માધાપરની વીરાંગનાઓને યાદ કરતાં કહ્યું હતું કે, યુદ્ધ દરમિયાન હવાઈપટ્ટીનું સમારકામ અને તાત્કાલિક
પુન: પ્રારંભ કરીને આ પ્રદેશની બહાદુર મહિલાઓએ દેશને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા
ભજવી હતી. કચ્છની ભૂમિ સદીના સૌથી ભયંકર ભૂકંપનો ભોગ બની છે. મેં એવી ઘણી જગ્યાઓની
મુલાકાત લીધી છે, જ્યાં દાયકાઓ પછી પણ ભૂકંપે સર્જેલા વિનાશની
નિશાનીઓ આજે જોઈ શકાય છે, પરંતુ મને ગર્વ છે કે, કચ્છના લોકોની મહેનતને કારણે કચ્છ માત્ર ભૂકંપની પીડામાંથી જ બહાર ન આવ્યું,
પણ પહેલાં કરતાં 100 ગણું વધુ સુંદર અને વિકસિત પણ બન્યું છે, જે કચ્છના લોકોની ખમીરી અને જીવન પ્રત્યેની
સકારાત્મકતા દર્શાવે છે.