• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

અનામતની મૂળભૂત ભાવના જાળવવાની સીજેઆઇની ચિંતા

અનામતનો મુદ્દો ફરી એકવાર ચર્ચાની એરણે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલા બાગચીની બેન્ચે અનામતને લગતા એક મામલાની સુનાવણી દરમ્યાન સ્પષ્ટ કરી દીધું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ અનામતની મંજૂરી નહીં અપાય. અગાઉ મર્યાદા તૂટી તો ચૂંટણી રોકી દેવાશે. ભારતીય રાજનીતિમાં અનામત એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. રાજકીય પક્ષો તેનો ઉપયોગ મતદારોનેવિવિધ જાતિઓને પ્રલોભિત કરવા માટે કરતા રહ્યા છે. બીજી તરફ દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ તાજેતરમાં અનુસૂચિત જાતિ અનામત માટે ક્રીમિલેયર (સમૃદ્ધ વર્ગ)ના સિદ્ધાંતનું સમર્થન કરતા નવેસરથી મહત્ત્વપૂર્ણ ચર્ચા છેડાઇ છે. ગવઇના વિધાન પાછળની સમજ એ છે કે, કઇ રીતે સકારાત્મક પહેલ કરીને  અનામતના ઉદ્દેશને વધુ ન્યાયસંગત, મૂળભૂત ઉદ્દેશ અનુસાર અને પ્રભાવી બનાવી શકાય. ચીફ જસ્ટિસની પહેલનો હેતુ બંધારણીય સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવાનો નહીં, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે જે મુજબ અનામતનો લાભ વાસ્તવમાં જેમને ખરી જરૂર છે એ લોકો સુધી પહોંચાડી શકાય. અનુસૂચિત જાતિ સમુદાયના સૌથી ગરીબ, સામાજિક રીતે વંચિત લોકોને તેનો ફાયદો મળશે તો  તેમનું ઉત્થાન થઇ શકશે. અનામત આજે પણ જરૂરી છે. દાયકાઓ સુધી પછાતપણાનો ભાવ અનુભવનાર અને વિકાસનાં માઠાં ફળનું સપનુંએ જોવાની હિંમત ન કરનાર જ્ઞાતિઓ-વર્ગો માટે અનામત મારફત વિશેષ માવજત લેવી શક્ય બને છે. ચીફ જસ્ટિસના તર્કનો વિરોધે થશે, પણ આ બાબતે મંથન જરૂરી છે. દેશમાં એવા અસંખ્ય કિસ્સા જોવા મળશે જેમાં આર્થિક, સામાજિક રીતે સંપન્નતા મેળવી લેનાર અનુસૂચિત જાતિના લોકો વારંવાર અનામતનો  ફાયદો લેતા રહ્યા છે. બીજી તરફ પેઢી દર પેઢીથી અભાવમાં જીવતા શ્રમિકો, સફાઇ કામદાર, ભૂમિહીન મજદૂરોની સ્થિતિ જેમની તેમ જ રહે છે. એટલે જ મુખ્ય ન્યાયમૂર્તિ ગવઇએ તકોનું વધુ ન્યાયસંગત વિતરણ સુનિશ્ચિત કરવાની હિમાયત કરી છે. વાસ્તવમાં અત્યારની પરિસ્થિતિ અનામતના ન્યાયસંગત લાભ વંચિત વર્ગ સુધી પહોંચાડવા માટે તાર્કિક લાગી રહી નથી. જ્યારે કોઈ આઈએએસ અધિકારી કે વરિષ્ઠ અધિકારીનું સંતાન, સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના કોઈ વ્યક્તિની તુલનાએ સમાન લાભો મેળવવાનો દાવો કરવાનું ચાલુ રાખે તો સ્વાભાવિક જ તેનાથી અનામતનો મૂળ હેતુ નબળો પડે છે. અગત્યનું એ છે કે, ક્રીમિલેયરને બહાર કરવાથી તેના સાથે જાતિગત ભેદભાવ નહીં થાય એમ પણ માની શકાય નહીં, પરંતુ આ માત્ર એવું દર્શાવે છે કે, કોઈ પણ ઐતિહાસિક રૂપથી ઉત્પીડિત સમૂહની અંદર, વંચિતપણાની સ્થિતિ જૂદી-જૂદી હોય છે. આવી સ્થિતિમાં સૌથી નિમ્ન સ્તરના લોકો રાજ્યનું સંરક્ષણ મેળવવા માટેની પ્રાથમિકતાના હકદાર છે. બેશક સ્પષ્ટ માનદંડ, સામાજિક પછાતપણાનું સાવધાનિપૂર્વક મૂલ્યાંકન કરવા અને દુરુપયોગને રોકવા માટેના નક્કર ઉપાય થવા જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈએ કરેલી ટિપ્પણી એ જ બાબતની પરિચાયક છે કે, સામાજિક ન્યાયનું વિસ્તરણ થવું જોઈએ. અનામતની પાત્રતામાંથી અનુસૂચિત ક્રીમિલેયરને સમજી-વિચારીને બહાર કરવાથી સમાનતાના બંધારણીય વાયદાની પુષ્ટિ થઈ શકે છે. આ પહેલના વિરોધમાં એવો તર્ક આપી શકાય કે, જો અનુસૂચિત જાતિ વર્ગની અનામતના ઉપવર્ગીકરણને માન્યતા આપવામાં આવે તો અગાઉ તેનાથી લાભાન્વિત થઈ ચૂકેલા લોકોને સુરક્ષાકવચ મળી શકશે નહીં. એવો તર્ક હોઈ શકે કે, અમુક વખતે અનામત વર્ગની કોઈ વ્યક્તિને ઉચ્ચ પદ પર પહોંચવા છતાં પણ કોઈ ભેદભાવ કે ઉપેક્ષાનો સામનો કરવો પડી શકે છે. નિ:સંદેહ આ કથનની તાર્કિકતા વિચારણીય છે.  એક વિચાર એવો પણ થઇ શકે કે, અનેક પેઢીઓથી અનામતનો લાભ મેળવી ચૂકેલા લોકો સ્વેચ્છાએ તેનો ત્યાગ કરીને આ દિશામાં એક રચનાત્મક પહેલ કરે. નિશ્ચિત રીતે આવાં પગલાંઓથી મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની સકારાત્મક પહેલને બળ મળી શકશે. 

Panchang

dd