• શનિવાર, 22 નવેમ્બર, 2025

મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનો સહયોગ કચ્છ માટે મહત્ત્વપૂર્ણ

બિદડા, તા. 21 : અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી તથા બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ માટે પાંચ વર્ષનો એમઓયુ કરાયો હતો. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી તરફથી ડો. રોબેકા, મેલોવિન (અસોસિએટ ડીન-ગ્લોબલ હેલ્થ), ડો. એનેટ ઓ'કોર્નર (સિનિયર એસોસિએટ ડીન, વેટરનરી મેડિસીન) તથા નિશા રમેશ દેઢિયાએ બિદડા સર્વોદય ટ્રસ્ટના મેડિકલ વિભાગો, જયા રિહેબ સેન્ટર, રતનવીર નેચર ક્યોર સેન્ટર, તારામતી વેલનેસ સેન્ટર, વી ટ્રાન્સ રિજ્યુવિનેશન અને હીલિંગ સેન્ટર ખાતે અને પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટયૂટની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોલેજ ઓફ ઓસ્ટિયોપેથિક અને કોલેજ ઓફ  હ્યુમન મેડિસિનમાં ભણતા વિદ્યાર્થીઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ વિભાગો, રહેબિલિટેશન, નેચર ક્યોર જેવા વિષયોનો અભ્યાસ કરી શકશે અને અહીંની કાર્યપદ્ધતિ દ્વારા તેમનો પ્રેક્ટિકલ અનુભવ વધારી શકશે તથા દરમ્યાન  યોજાતા વિવિધ મેડિકલ કેમ્પોમાં ઓપરેટિવ વર્કનું નિરીક્ષણ કરી શૈક્ષણિક અધ્યયન પણ કરી શકશે. તેવી માહિતી આપી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના તબીબો પણ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં એડવાન્સ એજ્યુકેશન મેળવી ફેકલ્ટી  મેમ્બર તરીકેની પદવી પ્રાપ્ત કરી શકશે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને ટ્રસ્ટ વચ્ચે મેડિકલ લાયબ્રેરી તથા નોલેજ એક્સચેન્જ દ્વારા બે-માર્ગીય શૈક્ષણિક લાભ પ્રાપ્ત થતા  મિશિગન સ્ટેટ યુનિવર્સિટી સાથેનો આ સહયોગ મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. ભવિષ્યમાં બંને સંસ્થા સાથે મળી માનવસેવા સાથે પશુ-પક્ષી સારવાર કરી જીવદયા ક્ષેત્રે પણ કાર્ય કરશે પ્રોજેક્ટમાં ભુજપુર ગામના હાલ યુ.એસ.એ. નિવાસી રમેશભાઇ, માયાબેન, નિશા દેઢિયા તથા જયા રિહેબ સેન્ટરના મુખ્ય દાતા અરવિંદભાઇ અને જયાબેન શાહનું યોગદાન રહ્યું છે. મુલાકાત દરમ્યાન મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ડો. રોબેકા મેલોવિન અને ડો. એનેટ ઓ'કોર્નરે બિદડા સર્વોદય ટ્રસ્ટની પાંચ દાયકાથી ચાલતી માનવતાવાદી સેવાઓને બિરદાવી હતી. 

Panchang

dd