નવી દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકાર
દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં ચાર નવા શ્રમ કાયદા (લેબર કોડ્સ) લાગુ કરી દેવામાં
આવ્યા છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ નિર્ણયથી વર્ષો જૂના કાયદા, જે ખૂબ
જ જટિલ અને વિખેરાયેલા હતા તે ખતમ થઈ જશે. ઉપરાંત તમામ માટે સમયસર લઘુમત વેતન,
અસ્થાયી કર્મચારીઓ સહિતના કર્મચારીઓને સામાજિક સુરક્ષા સહિતના કામદારો
માટે અનુકૂળ ફેરફારો અમલી બનશે. જો કે, કામના વધુ કલાકો,
હંગામી મુદ્દતના વધુ રોજગાર અને નોકરીદાતાને અનુકૂળ ભરતીના કાયદા પણ
અમલી બનશે. સરકારના કહેવા પ્રમાણે નવી વ્યવસ્થાનો હેતુ એક સુદૃઢ શ્રમિક માળખું તૈયાર
કરવાનો છે, જે શ્રમિકો માટે સુરક્ષા વધારવાની સાથે ઉદ્યોગો માટે
પણ પ્રતિસ્પર્ધાત્મક માહોલ બનાવે. સરકાર તરફથી નવા લેબર કોડ્સ 2020માં પસાર કરવામાં આવ્યા હતા.
જો કે, પાંચ વર્ષ સુધી લાગુ કરી શકાયા નહોતા. હકીકતમાં સરકારે જૂના 29 કેન્દ્રીય શ્રમ કાયદાને ખતમ
કરીને તેને ચાર કોડમાં તબદીલ કર્યા છે. જેમાં 1) કોડ ઓન વેજ (2019), ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ (2020), કોડ ઓન સોશિયલ સિક્યુરિટી (2020), ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (ઓએસએચડબલ્યુએસ) કોડ (2020) સામેલ છે. શ્રમ મંત્રાલય અનુસાર
નવા કોડ મારફતે તમામ શ્રમિક ખાસ કરીને અનૌપચારિક સેક્ટર, ગિગ વર્કર્સ, પ્રવાસી
શ્રમિક અને મહિલાઓ માટે યોગ્ય વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય
સુરક્ષાની ગેરંટી આપવામાં આવશે. જો કે, નવા કાયદામાં દુકાનો અને
ફેકટરીઓમાં કામના કલાક 9થી 10ને બદલે 9થી 12 કલાક કરવાની પણ જોગવાઈ છે. મુખ્ય બદલાવમાં એક તમામ શ્રમિકોને
નોકરી શરૂ કરતા સમયે નિયુક્તિપત્ર આપવું અનિવાર્ય હશે, જેનાથી રોજગાર અને શરતોની પારદર્શકતા વધશે તેમજ
દેશભરમાં લઘુતમ વેતન લાગુ થશે, જેથી કોઈ પણ સેલેરી એટલી ઓછી ન
હોય કે ગુજરાન ચલાવવું મુશ્કેલ બને. આ ઉપરાંત કર્મચારીઓને સમય ઉપર ચૂકવણી કરવી કાનૂની
રૂપથી જરૂરી બનશે. 40 વર્ષથી ઉપરના
તમામ શ્રમિકો માટે નિ:શુલ્ક વાર્ષિક આરોગ્ય ચેકઅપ અનિવાર્ય બનશે તેમજ એક રાષ્ટ્રીય
ઓએસએચ બોર્ડ મારફતે ઉદ્યોગોમાં સુરક્ષા માપદંડને એકરૂપ કરવામાં આવશે. નવી વ્યવસ્થામાં
ઈન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર હશે, જે મોટાભાગને
સૂચનો આપશે. સાથે જ ઉદ્યોગ વિવાદ માટે બે સભ્ય ટ્રિબ્યુનલ બનશે. જ્યાં કર્મચારી સીધા
જઈ શકશે. સરકારનો દાવો છે કે, નવા કોડથી કામદારોને વ્યાપક સામાજિક
સુરક્ષા અને સન્માન મળશે, જ્યાં ઉદ્યોગોને ઓછી જટિલતા અને સારી
મૂડીરોકાણની તક મળી રહેશે. ફેરફાર મુદ્દે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું
કે, આ સુધારા આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ છે અને 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર
બનાવવાની દિશામાં મજબૂત આધાર બનશે કારણ કે, નવા કોડમાં એમએસએમઈ શ્રમિકો, ફિક્સ ટર્મ કર્મચારીઓ,
કોન્ટ્રાક્ટ વર્કર્સ, હજારો નાના અને મોટા ઉદ્યોગોમાં
કામ કરતા લોકોને સમેલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રાલય અનુસાર ભારતમાં સામાજિક
સુરક્ષા કવરેજ 2015માં કાર્યબળ
અનુસાર 19 ટકા હતો, જે વર્ષ 2025માં વધીને 64 ટકા થઈ છે. આગળ પણ તેમાં વધારે
સુધારાની સંભાવના છે. સરકારના કહેવા પ્રમાણે નવા નિયમો અને યોજનાઓને અંતિમ રૂપ આપવા
સુધીમાં વ્યાપક હિતધારક પરામર્શ થતો રહેશે. આ બદલાવ દરમિયાન વર્તમાન કાયદા લાગુ રહેશે.
આ કદમથી નોકરીમાં મહિલાઓની ભાગીદારી વધવાની પણ સંભાવના છે. - મુખ્ય બદલાવ - નિયુક્તિપત્ર : હવે તમામ શ્રમિકોને નોકરી શરૂ કરતા સમયે નિયુક્તિપત્ર
આપવું અનિવાર્ય હશે, જેનાથી રોજગાર
અને શરતોની પારદર્શકતા વધશે. - લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ
થશે, જેથી કોઈ પણ વેતન એટલું ઓછું ન રહે,
જેનાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બને. - સમય ઉપર વેતનની ચૂકવણી : નિયોક્તાઓએ કર્મચારીઓને
સમય ઉપર ચૂકવણી કાનૂની રૂપથી જરૂરી બનશે. - સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી ઉપરના તમામ શ્રમિકો માટે નિ:શુલ્ક વાર્ષિક હેલ્થ ચેકઅપ
અનિવાર્ય હશે. આ ઉપરાંત એક રાષ્ટ્રીય બોર્ડનાં માધ્યમથી ઉદ્યોગોમાં સુરક્ષા માપદંડોને
એકરૂપ કરવામાં આવશે. - મહિલાઓ માટે બરાબરી : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, પહેલા ઘણા સેક્ટરમાં આવી મંજૂરી નહોતી. જો કે,
આ માટે નિયોક્તાએ સુરક્ષા ઉપાય અને મહિલાઓની સહમતી સુનિશ્ચિત કરવી પડશે.
- અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ
અને પ્લેટફોર્મ વર્કર્સને પહેલી વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભ મળી શકશે
અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન કરવું પડશે. - કાનૂની અમલવારી સરળ : હવે ઘણા રજિસ્ટ્રેશન
અને રિપોર્ટિંગને બદલે સિંગલ લાયસન્સ, સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ ઉપર બોજ ઓછો
થશે. - કલ્યાણ ફંડ : એગ્રિગેટર કંપનીઓએ પોતાના
વાર્ષિક ટર્નઓવરના 1-2 ટકા એક અલગ
વેલફેર ફંડમાં આપવા પડશે, જેની લિમિટ
વર્કર્સને થતા કુલ પેમેન્ટના પાંચ ટકા હશે. આ ફંડની શ્રમિકોને સોશિયલ સિક્યુરિટીના
ફાયદા ઉપલબ્ધ કરાવવામાં આવશે. - યુનિવર્સલ એકાઉન્ટ નંબર
: વર્કર્સ સુધી વેલફેર સ્કીમનો લાભ પહોંચાડવા માટે આધારથી લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ
નંબરની શરૂઆત થશે, જેનાથી શ્રમિકો
તમામ રાજ્યમાં વેલફેર સ્કીમનો લાભ ઉઠાવી શકશે.
- મેટરનિટી બેનિફિટ્સ : જેના હેઠળ મહિલાઓને
26 અઠવાડિયાંની વેતન સાથે રજા
મળશે. વધુમાં ફ્લેક્સિબલ વર્ક ફ્રોમનો વિકલ્પ મળશે. આ ઉપરાંત મહિલા કર્મચારીને 3500 રૂપિયા મેડિકલ બોનસ પણ અપાશે.