ગાંધીધામ, તા. 21 : ભચાઉના નંદગામ નજીક નવકાર પાર્ક
પાસે એક્ટિવા રાખીને ગાંજાનું વેચાણ કરતા બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો
પાસેથી રૂા. 50,250નો ગાંજો જપ્ત કરાયો હતો. બંનેના
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. નંદગામ નજીક નવકાર પાર્કની બાજુમાં એક્ટિવા રાખીને
બે શખ્સ જાહેરમાં ગાંજો વેચી રહ્યા હતા, તેવામાં પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ અહીં છાપો માર્યો હતો અને
એક્ટિવા પર સવાર નંદગામના ધનજી ઉર્ફે હાજા વિશા રબારી તથા આમીર હુસેન અલી હુસેન નામના
શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ શખ્સો જે એક્ટિવા નંબર જીજે-12-ઇક્યુ-0955 ઉપર બેઠા હતા તેની ડેકી તપાસ
કરાતાં તેમાંથી સફેદ રંગની થેલીમાંથી લીલા રંગનો વનસ્પતિજન્ય પાંદડા, ફુલ, બી, ડાળખાં સાથેનો લીલો ગાંજો મળી આવ્યો હતો. આ બંનેને ભચાઉના સર્કિટ હાઉસમાં લઇ
જવાયા હતા, જ્યાં એફ.એફ.એન. અધિકારીએ આવીને પ્રાથમિક પૃથક્કરણ
કરતાં આ માલ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. તેનું વજન કરાતાં એક કિલો પાંચ ગ્રામ
હોવાનું જણાયું હતું. રૂા. 50,250નો આ ગાંજો વરસામેડીનો સાગર રબારી નામનો શખ્સ તેમને આપી ગયો
હતો અને આ બંને અહીં છૂટકમાં ગ્રાહકોને વેચતા હતા. બંનેને આજે રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજૂ કરાતાં બંનેના ત્રણ દિવસ તા. 24-11 સુધીના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.