• શનિવાર, 22 નવેમ્બર, 2025

પોતાનો જ ચુકાદો ઊલટાવતી સુપ્રીમ

વિધાનસભામાં પસાર થતા ઠરાવ-વિધેયકો મંજૂર કરવાની કોઈ સમય સીમા રાજ્યપાલો કે રાષ્ટ્રપતિ માટે નિશ્ચિત કરી શકાય નહીં તેવો ચુકાદો સુપ્રીમકોર્ટે ગુરુવારે આપ્યો તેના અનેક સૂચિતાર્થ છે. અદાલતની ક્ષમતા અને બંધારણીય પદની ગરિમા બંને જળવાયા છે, સાથે જ લાંબા સમયથી ચાલતા વિવાદ ઉપર પણ વિરામ લાગ્યું છે. જે વિધેયકો પસાર થાય તેને મંજૂરી આપવા માટે જો વિલંબ થાય તો અદાલત તેમાં દખલ કરી પણ શકે તેવું સ્પષ્ટ રીતે જણાવાયું છે. આવા કિસ્સામાં રાજ્યપાલો માટે ત્રણ વિકલ્પ ખુલ્લા રહેશે. દેશની સંસદીય અને બંધારણીય વ્યવસ્થા માટે આ ચુકાદો માર્ગદર્શક બની રહેશે. તમિલનાડુના રાજ્યપાલ અને સરકાર વચ્ચે થોડા સમય પહેલાં વિધેયકો સંદર્ભે વિવાદ થયો હતો. વિધાનસભામાંથી પસાર થયેલા બિલ-વિધેયક રાજ્યસભાએ રોકી રાખ્યા હતા. આ મુદ્દે સુપ્રીમકોર્ટે આઠમી એપ્રિલે આદેશ આપ્યો હતો કે, વિધેયક રોકવાની કોઈ વિશેષ સત્તા રાજ્યપાલ પાસે નથી. સુપ્રીમકોર્ટે એવું પણ કહ્યું હતું કે, રાજ્યપાલ તરફથી મોકલાયેલા વિધેયકો ઉપર રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. ગુરુવારે આવેલા ચુકાદા પછી આ બાબતે સ્પષ્ટતા થઈ ગઈ છે. પાંચ જજની પીઠે સર્વસંમતિથી એવું કહ્યું છે કે, કોઈ પણ વિધેયકને વધારે સમય માટે રોકી રાખવું તે સંઘવાદનું ઉલ્લંઘન ગણાશે.  કોર્ટે કહ્યું કે, રાજ્યપાલને ચોક્કસ કોઈ બિલ રોકી રાખવું જરૂરી લાગે તો રોકવાનો અધિકાર છે. તેના માટે કોઈ સમયસીમા નથી, પરંતુ વિલંબના સંજોગમાં અદાલત દખલ કરી પણ શકે છે. રાજ્યપાલ પાસે ત્રણ વિકલ્પ છે : એક તો ખરડો તત્કાલ મંજૂર કરે અથવા ફેરવિચારણા માટે ગૃહને મોકલે કે પછી રાષ્ટ્રપતિને પુન: મોકલી દે. વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા વિધેયકની મંજૂરી માટે બંને બંધારણીય પદને કોઈ સમયસીમામાં બાંધી શકાશે નહીં. જો રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ મંજૂરી માટેનો વિધેયકનો જવાબ નથી આપતા તો કાયદો એવું માની લે છે કે, મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલ કોઈ પણ નિર્ણય વખતે મંત્રીમંડળની સલાહથી બંધાયેલા નથી. વિધેયકની યથાર્થતા શું છે તે અદાલતનું કાર્યક્ષેત્ર ભલે ન હોય, પરંતુ કોઈ કારણ વગર જો વિલંબ લંબાય તો જરૂરી નિર્દેશ અદાલત આપી પણ શકે છે. અદાલત પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ રાષ્ટ્રપતિ તરફથી ન થતી કાર્યવાહી સંદર્ભે પણ કરી શકે છે. 

Panchang

dd