• શનિવાર, 22 નવેમ્બર, 2025

કચરા નિકાલ માટે સુધરાઈઓએ શું કર્યું ?

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી ) : ગુજરાત હાઇકોર્ટમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તમામ નગરપાલિકાઓના વેસ્ટ મેનેજમેન્ટ અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સુનાવણીમાં અમદાવાદ મહાનગર પાલિકાના વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 75 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પ્લાસ્ટિક પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. શહેરના સાત ઝોનમાં આ પ્રકારની વસ્તુઓ વેચતા વેપારીઓને દંડ કરવામાં આવે છે અને દુકાનને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. આ સુનાવણી દરમિયાન એએમસીએએ કોર્ટને જણાવ્યું હતું કે, ડોર-ટુ-ડોર કલેક્શન અંતર્ગત દરરોજ 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્રિત કરાય છે. આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં 15 કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ પ્લાસ્ટિક કચરાની જાગૃતિ માટે 2400 જેટલા કાર્યક્રમો કરાયા હોવાનું કહ્યું હતું. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મહાનગર પાલિકા શાકભાજી અને ફળ વેચનારા લોકોની તપાસ કરે તેવુ સુચન કર્યું હતું. તેઓ પ્લાસ્ટિકની થેલીઓમાં વેચાણ કરે છે. જો ત્યાં પ્રતિબંધ મુકાશે તો જ તેનો વિકલ્પ મળી શકશે. 

Panchang

dd