ગાંધીધામ, તા. 21 : શહેરના ગળપાદરમાં ભવાની નગર
વિસ્તારમાં પોલીસે એક કારમાંથી રૂા. 2,79,500નો અંગ્રેજી શરાબ પકડી પાડયો હતો, પરંતુ આરોપી સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો.
બીજીબાજુ મેવાસા પાટિયા પાસે હોટેલની બાજુમાં ઝાડીમાંથી રૂા. 14,800નો દેશી દારૂ પકડાયો હતો, પરંતુ બે શખ્સ ગેરહાજર મળ્યા હતા. ગળપાદરના
ઓવરબ્રિજ બાજુથી ભવાની નગર બાજુ રાહુલ વિનોદ ચૌહાણ નામનો શખ્સ દારૂ લઇને આવતો હોવાની
પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે આર્મી કેમ્પ પાસે સાંકડા રસ્તા પર ટ્રાફિકજામ કરાવ્યો
હતો. મોડીરાત્રે આ આરોપી નંબર પ્લેટ વગરની ક્રેટા કાર લઇને આવતાં તેને રોકવાની કોશિશ
કરતાં તેણે ટ્રાફિકમાંથી પોતાની કાર હંકારી દીધી હતી અને આગળ જઇને કાર વીજથાંભલા સાથે
અથડાઇ હતી. તેવામાં કારમાંથી રાહુલ ચૌહાણ બહાર નીકળીને નાસવા લાગ્યો હતો. પોલીસે તેનો
પીછો કરતાં કરતાં હાંફી જતાં આ શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ નંબર પ્લેટ વગરની
કારમાંથી રોયલ ચેલેન્જ 750 મિ.લિ.ની
155 બોટલ, રોયલ સ્ટેગ 750 મિ.લિ.ની 60 બોટલ એમ કુલ 215 બોટલ કિંમત રૂા. 2,79,500નો શરાબ જપ્ત કરાયો હતો. આ
બોટલો પરથી મિનિમમ રિટેઇલ પ્રાઇસ, બેચ નંબર,
તારીખ છેકી નખાયા હતા. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ આ માલ ક્યાંથી આવ્યો
તે હવે બહાર આવશે. બીજીબાજુ મેવાસા નજીક હોટેલ સહયોગની બાજુમાં જી.ઇ.બી. સબ સ્ટેશન
પાછળ બાવળની ઝાડીમાં પોલીસે છાપો મારી રૂા. 14,800નો દેશી દારૂ પકડી પાડયો હતો. અહીંથી લાલજી વિરમ કોળી, મેહુલ કરશન કોળી નામના શખ્સો ગેરહાજર મળ્યા
હતા. પોલીસે આ જગ્યાએથી બાઇક પણ જપ્ત કર્યું હતું.