બિહારના મુખ્ય પ્રધાનપદના શપથ 10મી વખત લઈને નીતીશકુમારે ઐતિહાસિક વિક્રમ
બનાવ્યો છે. જનતા દળ (યુ)થી પાંચ બેઠક વધુ મેળવી હોવા છતાં ભાજપે વચન પાળ્યું છે. ચૂંટણી
નીતીશના નેતૃત્વમાં લડયા પછી સરકાર પણ એમના નેતૃત્વમાં આવી છે. ચૂંટણીનાં પરિણામ આવ્યાં
પછી પણ નીતીશકુમારના ભાવિ અંગે શંકા વ્યક્ત કરનારા ભોંઠા પડયા છે. સરકારના ગઠનમાં વાંધા
પડશે એવી ધારણા પણ ખોટી પડી છે. વિધાનસભાના સ્પીકર,
ગૃહવિભાગ અને નાયબ મુખ્ય પ્રધાનો અંગે ખેંચતાણ થઈ પણ આખરે બંને મુખ્ય
પક્ષે જૂની સરકારના `જૈસે થે' એમ જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કુલ 26 કેબિનેટ પ્રધાનોએ શપથ લીધા, જેમાંથી 14 ભાજપના, આઠ જેડી (યુ)ના, બે લોકજનશક્તિ
પાર્ટીના તથા જીતનરામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા તથા રાષ્ટ્રીય લોક મોરચાના એક-એક
વિધાનસભ્યનો સમાવેશ થાય છે. ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તથા વડાપ્રધાન નરેન્દ્ર
મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નડ્ડાની હાજરી શક્તિ પ્રદર્શન નહીં પણ
એનડીએની એકતાનું પ્રતિબિંબ પાડતી હતી. શપથવિધિ પૂરી થયા બાદ વડાપ્રધાન મોદીએ બિહારી
શૈલીમાં ગમછો હવામાં ઘુમાવ્યો, જે તેમણે પરિણામના દિવસે એનડીએના
વિજય બાદ પણ કર્યું હતું. શપથ લેનારાઓમાં એક મુસ્લિમ અને ત્રણ મહિલાઓનો સમાવેશ છે.
મહિલાઓએ મોટા પ્રમાણમાં કરેલાં મતદાનની નોંધ લેતાં આ પગલું લેવાયું છે. કોમનવેલ્થ ગેમ્સમાં
રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રેયસી સિંહ, નાયબ મુખ્ય
પ્રધાન માટે જેમનું નામ ચર્ચામાં હતું એ રમા નિશાદ તથા પૂર્ણિયાથી છવાર વિધાનસભ્ય તરીકે
ચૂંટાઈ આવેલા જનતા દળના લેશી સિંહને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. સાથે જ પહેલીવાર ચૂંટાયેલા
ત્રણ વિધાનસભ્યે પણ શપથ લીધા. જાતિ સમીકરણનું સંતુલન પણ રખાયું છે, જેમાં સબ કા સાથ સબ કા વિકાસ ચરિતાર્થ થાય છે. નીતીશકુમારે આજે 10મી વખત બિહારના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા
છે, ત્યારે એમની રાજકીય કારકિર્દીનો ઇતિહાસ તાજો
થાય છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન તેજસ્વી યાદવ વારંવાર ભાજપને પૂછતા હતા કે,
એનડીએ પાસે મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર કોણ છે? આખરે
ભાજપે જાહેર કર્યું નીતીશકુમારનું નામ. પણ એટલું જ કહ્યું કે, નીતીશકુમારના નેતૃત્વ હેઠળ એનડીએ મેદાનમાં છે અને એમનું નેતૃત્વ ચૂંટણી પછી
પણ હશે. તેજસ્વી યાદવે તો માત્ર ઉમેદવારનું નામ પૂછયું - કારણ કે, એમને આશા હતી કે, ભાજપ નામ બહાર પાડશે નહીં, પરિણામ પછી નક્કી થશે એમ કહેશે! જો નામ બહાર પડે નહીં તો તેજસ્વીને ફાયદો થાય.
એમણે તો શપથવિધિની તારીખ પણ જાહેર કરી હતી! તેજસ્વીથી બે ડગલાં આગળ એમના પિતા લાલુપ્રસાદ
હતા - જેમણે વર્ષ 2005માં જાહેરાત
કરી અથવા આગાહી કરી હતી કે નીતીશના નસીબમાં જ મુખ્ય પ્રધાનપદ નથી! અને નીતીશકુમારનું
નસીબ - ભાગ્ય કેવું પલટાયું? વિરોધીઓ
એમને પલટુરામ કહેતા હતા પણ એમણે સુશાસન બાબુ બનીને નસીબ જ પલટી નાખ્યું! વર્ષ 2005માં બિહાર વિધાનસભાની સભ્ય
સંખ્યા 325 હતી. ઝારખંડનું અલગ રાજ્ય થયા
પછી 243 છે. 2005ની ચૂંટણીમાં નીતીશે ભાજપ સાથે
સમજૂતી કરી તે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને આભારી છે. આ બંનેની જોડીએ લાલુ યાદવનાં
20 વર્ષના જંગલરાજના મુદ્દા ઉપર
ચૂંટણી લડી અને અરુણ જેટલીના આગ્રહથી નીતીશને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં
આવ્યા. આ જાહેરાત પછી વોટ-બેઠકો વધુ મળી, પણ સ્પષ્ટ બહુમતી મળી નહીં. લાલુ યાદવના આરજેડીને 75, નીતીશના જનતા દળ (યુનાઇટેડ)ને
પંચાવન અને ભાજપને 37, રામવિલાસ
પાસવાનના લોકજનશક્તિ પક્ષને 29 બેઠક મળી
હતી. પણ નવેસરથી ચૂંટણી જાહેર થાય તેના 10 દિવસ પહેલાં સુપ્રીમકોર્ટે રાષ્ટ્રપતિ શાસન ગેર-બંધારણીય ગણાવ્યું, પછી ચૂંટણીમાં બિહારની જનતાએ એનડીએને બહુમતી
આપી. નીતીશને 55થી વધીને
88 બેઠક મળી. ભાજપને 37થી વધીને 55 મળી અને આરજેડી 75થી ઘટીને 54 થઈ. નીતીશકુમાર મુખ્ય પ્રધાન
બન્યા અને આજ સુધી રહ્યા છે! 20 વર્ષમાં 10મી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લીધા છે.