ભુજ, તા. 21 : ચર્ચાસ્પદ મુંદરા કસ્ટોડિયલ
ડેથ કેસના આરોપી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલે માતાની
બીમારી અન્વયે માગેલા ટૂંકાગાળાના જામીન નામંજૂર થયા છે. એકના એક તબીબી કાગળો પર બે
વર્ષ પહેલાં પણ જામીન મગાયા હતા અને જે-તે સમયે તે નામંજૂર થયાની પ્રતિપક્ષની દલીલો
ગ્રાહ્ય રહી હતી, તો કોર્ટનો
સમય બગાડવા બદલ પાંચ હજાર જમા કરાવાનો આદેશ થયો છે. ભુજની અધિક સેશન્સ કોર્ટમાં છેલ્લા
પાંચ વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આરોપી શક્તિસિંહ દ્વારા જુદી જુદી જામીન અરજીઓ કરવામાં
આવી હતી, જે નામંજૂર થઇ હતી. આરોપી શક્તિસિંહ દ્વારા માતાની બીમારીના
વર્ષ 2023ના કાગળો આગળ ધરી 15 દિવસના ટૂંકાગાળાના જામીનની
માગણી કોર્ટ સમક્ષ કરી હતી. ફરિયાદ પક્ષે વિગતવાર
વાંધા રજૂ કરાયા હતા. વર્ષ 2023ના પણ આ કાગળો પર જામીન અરજી નામંજૂર થયાની દલીલ થઇ હતી. પક્ષકારોને
સાંભળી રેકર્ડ ચકાસીને જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટનો સમય આ
રીતે વેડફવા બદલ અધિક સેશન્સ કોર્ટે અરજદાર શક્તિસિંહને રૂા. પાંચ હજાર જિલ્લા કાનૂની
સહાય (ડીએલએસ) ભુજમાં ખર્ચના હુકમના સાત દિવસમાં ભરવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર
પક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ રાજકોટના અનિલભાઇ આર. દેસાઇ તથા મૂળ ફરિયાદ પક્ષ વતી
અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે.
ગઢવી, એસ.એસ. ગઢવી ઉપરાંત ગઢવી-ચારણ સમાજના તમામ એડવોકેટ હાજર
રહ્યા હતા.