ગુવાહાટી, તા. 21 : પહેલી ટેસ્ટમાં કોલકતાની ટર્નિંગ
પિચ પર સ્પિનરો સામે નતમસ્તક થનારી ભારતીય ટીમ હવે શનિવારથી અહીં શરૂ થતી દક્ષિણ આફ્રિકા
વિરુદ્ધની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં જીત સાથે શ્રેણી સરભર કરવાના ઇરાદે મેદાનમાં
ઉતરશે. નિયમિત કપ્તાન શુભમન ગિલની અનુપસ્થિતિમાં ટીમ ઇન્ડિયા પર ઘરઆંગણે 0-2નો ખતરો ઝળુંબી રહ્યો છે કારણ
કે પ્રવાસી આફ્રિકી ટીમ 1-0થી આગળ છે.
ગિલની ગેરહાજરીમાં રિષભ પંત સામે નેતૃત્વ સંભાળવાનો અને શ્રેણી બચાવવાનો અલગ પડકાર
રહેશે. બીજી તરફ તેંબા બાવૂમાની વિશ્વ વિજેતા ટીમ ભારતની ધરતી પર 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવાના મકકમ ઇરાદે
મેદાને પડશે. કોલકતા ટેસ્ટના વિજયથી આફ્રિકી ટીમનું મનોબળ મજબૂત છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર સામે સવાલ સર્જાયા છે. તેના
કેટલાક આશ્ચર્યજનક નિર્ણયથી ડ્રેસિંગ રૂમ અને થિંક ટેંકને સ્પષ્ટતા કરવા મજબૂર થવું
પડે છે. પાછલા ત્રણ દશકથી ઘરેલુ મેદાન પર અપરાજિત રહેનાર ટીમ ઇન્ડિયાની જે ચમક હતી
તે હવે ગાયબ થઇ ગઇ છે. પાછલા કેટલાક વર્ષો બાદ ભારતીય ટીમ ઘરઆંગણે જીતની પ્રબળ દાવેદાર
મનાઇ રહી નથી. જો ભારતીય ટીમ શ્રેણી ગુમાવશે તો કોચ ગંભીરના પ્રયોગ પર વિવાદનો મધપૂડો
છંછેડાશે તે નિશ્ચિત છે. કોચની લાજ રાખવા પણ ટીમ ઇન્ડિયા માટે જીત જરૂરી બની છે. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે ગુવાહાટીના બારસાપારા
સ્ટેડિયમની પિચ લાલ માટીની છે. જેના પર બેટધરોને પણ સારી મદદ મળશે. કપ્તાન ગિલ ડોકના
દર્દને લીધે બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. તેના સ્થાને સાઇ સુદર્શન તકનો પ્રબળ દાવેદાર
છે. દેવદત્ત પડીક્કલ અને નીતિશ રેડ્ડી રેસમાં છે. ભારતીય ઇલેવનમાંથી એક સ્પિનરની બાદબાકી
થઇ શકે છે અને તેના સ્થાને એક ઓલરાઉન્ડરને તક મળી શકે છે. ટીમમાં એકમાત્ર ઓલરાઉન્ડર
નીતિશ રેડ્ડી છે. કુલદીપ અને અક્ષરમાંથી કોઇ એક પડતો મુકાઇ શકે છે. બીસીસીઆઇના વર્તમાન
સેક્રેટરી દેવજીત સૈકિયા આસામના છે. તેઓ એવું નહીં ઇચ્છે કે ગુવાહાટીમાં પહેલીવાર રમાનારી ટેસ્ટ મેચ
ખોટા કારણે યાદ રાખવામાં આવે. દ. આફ્રિકાની
નજર કલીન સ્વીપ કરી ઇતિહાસ રચવા પર હશે. ઇજાને લીધે રબાડા બીજી ટેસ્ટમાંથી પણ બહાર
થયો છે. આથી આફ્રિકી ઇલેવનમાં ફેરફારની સંભાવના ઓછી છે.