• બુધવાર, 29 જુલાઈ, 2026

બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન `લાઈફ ટાઇમ અચિવમેન્ટ કોજૈના રત્ન એવોર્ડ'થી સન્માનિત

બિદડા, તા. 27 : બિદડા સર્વોદય ટ્રસ્ટ-બિદડાના ચેરમેન વિજયભાઈ ધારશી છેડાને સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ અમેરિકા ખાતે યોજાયેલા 10મા કોજૈના સંમેલનમાં `લાઈફ ટાઇમ અચિવમેન્ટ કોજૈના રત્ન એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ-2026' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન સમગ્ર કચ્છ તેમજ બિદડા સર્વોદય ટ્રસ્ટ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. અમેરિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજયભાઈ વતી આ સન્માન સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા અને હરેશભાઈ શાહે સ્વીકાર્યું હતું. શ્રી વિજયભાઈએ પોતાના જીવનની શરૂઆત ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ કરી હતી, જ્યાં તેમણે કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી. વિદેશમાં રહેવા છતાં તેઓ જૈન સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા અને JAINA તથા જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા જેવી સંસ્થાઓમાં મહત્ત્વપૂર્ણ સેવા આપી છે. KOJAINAમાં પ્રમુખ તરીકે હંમેશાં સક્રિય રહી સંસ્થામાં આગળ પડતો ભાગ લીધો છે. તેઓ ભારતથી આવતા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી સ્કોલરશિપ માટે વર્ષો સુધી કાર્ય કર્યું છે. વર્ષ 1980માં ભારત પરત ફર્યા બાદ તેઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે સ્વયંસેવક તરીકે જોડાયા. વર્ષ 1986માં ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા અને વર્ષ 2014થી ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના દૃઢ દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ ટ્રસ્ટે કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં હજારો દર્દીને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં કચ્છથી આવતા દર્દીઓને રહેવા-જમવાની સગવડ વર્ષો સુધી પૂરી પાડી અને મારુ હોસ્પિટલમાં શરૂઆતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. વિજયભાઈ કચ્છી જૈન ફાઉન્ડેશન અને મહાજનના સ્થાપક ટ્રસ્ટી પણ છે. કચ્છી જૈન ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ 2200થી વધુ પરિવારને આવાસની સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમજ 700થી વધુ નાના ઉદ્યોગકારોને વ્યાજમુક્ત લોન દ્વારા આત્મનિર્ભર બનવામાં સહાય મળી છે. તેમના સેવાકાર્ય બદલ તેઓને અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે "FOKIA કચ્છમિત્ર Humanitarian Award'તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે Kutch Health Award" સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. હાલમાં અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આયોજિત હેલ્થ કોન્ક્લેવ-હેલ્થ આઇકોન ઓફ ગુજરાત 2026 કાર્યક્રમમાં સમાજ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ લાઈફ ટાઈમ એક્સેલેન્સ એવોર્ડ ઈન ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેર ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાના હસ્તે અર્પણ કરાયો હતો. બિદડા જયા રિહેબ સેન્ટરની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્રસ્ટની પ્રવૃત્તિની પ્રશંસા કરી વિજયભાઈનું સન્માન કર્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી, ડોક્ટર, કર્મચારીઓ, દાતાઓ અને શુભેચ્છકોએ વિજયભાઈ છેડાને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ માનવસેવાના કાર્યમાં સતત નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Panchang

dd